phulwaDo - Free-verse | RekhtaGujarati

ફૂલવાડો

phulwaDo

નીરવ પટેલ નીરવ પટેલ
ફૂલવાડો
નીરવ પટેલ

ફરમાન હોય તો માથાભેર,

ફૂલોને કાંઈ બીજું કહીશું

મહેક થોડી મરી જવાની છે?

અને આમને ફૂલ કહીશું

ગંધ કાંઈ થોડી જવાની છે?

ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય.

ફૂલો સદીઓથી અંધકારમાં સબડતાં હતાં.

કદીક ચાંદની રાત મળે તો પોયણાંની જેમ પાંગરતાં,

કદીક રાતરાણીની જેમ છૂપાછૂપા સુવાસ રેલાવતાં,

કદીક લજામણીની જેમ મૂગામૂગા રડતાં.

પણ સદીના સૂરજે સહેજ રહેમ નજર કરી

કે માંડ્યાં ટપોટપ ખીલવા.

રંગ તો એવા કાઢે કે પતંગિયાનેય પ્રેમમાં પાડે,

સુગંધ તો એવી છેડે કે મધમાખીય ડંખ ભૂલે,

બધે ફરી વળી છે વગડાઉ ફૂલોની ફોરમ:

સંસદમાં, સચિવાલયમાં, સ્કૂલો-કૉલેજોમાં.

જાણે એમના ઉચ્છ્વાસથી છે

પ્રદૂષિત પર્યાવરણ બધું.

ગામ હોય ત્યાં ફૂલવાડો હોય

તો સમજ્યા,

પણ હવે ઝાઝો નહિ જીરવાય ફૂલફજેતો.

રાષ્ટ્રપતિના મોગલ ગાર્ડનમાં ભલે મહાલે ફૂલો

પણ ફૂલો નાથદ્વારામાં તો નહીં જ,

ગાંધીજીએ છો માથે ચઢાવ્યાં એમને.

કચડી કાઢો, મસળી કાઢો

અસ્પૃશ્ય ફૂલોને.

પણ ફૂલો વગર પૂજા કેમ કરશું?

મનોરથના હિંડોળા કેમ ભરશું?

ભદ્ર પેટદેવને કેમ રીઝવશું?

ફૂલોના પમરાટથી તો પુલકિત છે

આપણાં પાયખાનાં જેવાં જીવન.

તો પારિજાત છે પૃથ્વીનાં,

રેશમના કીડાની જેમ

ખૂબ જતનથી ઉછેરવો પડશે ફૂલવાડો

ગામેગામ ને શહેરેશહેર.

એટલે સરકાર મા-બાપનું ફરમાન હોય તો માથાભેર

ફૂલોને કાંઈ બીજું કહીશું,

મહેક થોડી મરી જવાની છે?

અને આમને ફૂલો કહીશું,

ગંધ કાંઈ થોડી જવાની છે?

ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય.

સ્રોત

  • પુસ્તક : બહિષ્કૃત ફૂલો (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સર્જક : નીરવ પટેલ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2006
  • આવૃત્તિ : 2