phlorens naitingelne - Free-verse | RekhtaGujarati

ફ્લોરેન્સ નાઇટિંગેલને...

phlorens naitingelne

સૌમ્ય જોશી સૌમ્ય જોશી
ફ્લોરેન્સ નાઇટિંગેલને...
સૌમ્ય જોશી

ફ્લોરેન્સ તારા આંગણામાં

ઑર્કિડના છોડ ઉપર

રોજ સવારે ઊગે છે દર્દીનું સ્મિત.

એક ડાળી કલમ કરી ચોંટાડી દે ક્યાંક મારામાં

પ્લીઝ ફ્લોરેન્સ પ્લીઝ મારે ઑર્કિડ થવું છે.

ટ્રેનમાં ફ્લોરેન્સ યાદ છે તને?

ફાટલી ચડ્ડી, પગમાં છાલાં, આરસનાં બે ટપટપિયાં લઈ હું રોતો’તો સૂરમાં ને પાંચિયું પાવલી તાલ દેતાં’ તાં

સૂરમાં મારા સૂર તો ખાલી તેં પૂરેલો ‘વાહ’ કહીને

તેં તો મારી ભૂખને ભીનું ગીત આપેલું

યાદ છે તને?

યાદ નથી કંઈ?

સાંજના વાળુ સ્ટેશન ઉપર આંગળી ઝાલી તેં ઉતાર્યો

યાદ છે તને?

યાદ નથી કંઈ?

શિયાળાની વચલી સાંજે મારી પાસે હું વધેલો

ત્યારે તું આવીને, સહેજ નમીને, કંઈક ઓઢાડી ગઈ’તી

સાંજ પડ્યાનું સાવ ખાલીખમ ટૂંટિયું ખોલી ગઈ’તી

યાદ છે તને?

યાદ નથી કંઈ?

કાલે છે ને ટ્રેનમાં ફ્લોરેન્સ હું તારી પેલી સીટમાં બેઠો,

કોઈ રોતું’તું સૂરમાં, એના સૂરમાં મેં બી સૂર મિલાયો

સાંજના વાળુ સ્ટેશન ઉપર આંગળી ઝાલી મેં ઉતાર્યો

પાછા વળતાં સ્ટેશન ઉપર સાવ ખૂણાના બાંકડા પાસે અટકી તારું ઓઢણું ખોલ્યું,

ને મેંય કોઈનું ટૂંટિયું ખોલ્યું.

તેં આપ્યું ઓઢણું મને,

ટૂંટિયું ખોલતાં તેં શિખવાડ્યું

એક ચીજ હજુ આપ તું ફ્લોરેન્સ

એક ચીજ હજુ જોઈએ મારે,

આપ તારું ‘યાદ નથી કંઈ.’

કેટલાં ફૂલો ઊગ્યાં એનાં ગણિત ભૂલતાં શીખવ,

એક ડાળી,

ખાલી એક ડાળી તું કલમ કરી ચોંટાડી દે ક્યાંક મારામાં,

પ્લીઝ ફ્લોરેન્સ પ્લીઝ મારે ઑર્કિડ થવું છે.

સ્રોત

  • પુસ્તક : ગ્રીનરૂમમાં (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : સૌમ્ય જોશી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2008