phariyadi - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફરિયાદી

phariyadi

યોગેશ વૈદ્ય યોગેશ વૈદ્ય

તે

સવારની ૮.૩પની ગાડીમાં આવ્યો

ધુમાડાનો ગોટો થઈને પ્લૅટફૉર્મ પર ઊતર્યો

તેના થોથર ચડી ગયેલા ગાલને લીધે હોય

કે

તે બહારનાં દૃશ્યોની ધરાર અવગણના કરતો હોય

પણ મેં જોયું

કે તેની આંખો ખૂબ ઊંડી ઊતરી ગઈ હતી.

આંખોથી તે ખપ પૂરતું હસ્યો.

બપોરે જમ્યા પછી

જરા વાર આરામ કરવાનું કહ્યું તો કહે

સૂવા કરતાં તો વાતો કરીએ આપણે સહુ

પણ વાતના વિષય પર અવાયું

બસ છૂટકછાટક શબ્દોની આપ-લે થઈ

થોડા થોડા સમયના અંતરે.

સાંજે મંદિરમાં

તેણે ખૂબ મોટા અવાજે ગાયું

શિવમહિમ્નસ્તોત્ર

પછી મંદિરના આંગણામાં બેસીને

તે દૂધના ઊભરા પેઠે ઠર્યો ધીમેધીમે

બહુ લાંબો વખત બેસી રહ્યો બાંકડા પર

જાણે તે એકલો હોય

એક ગાંઠ હતી

તેની પાસે

તે ઇચ્છતો હતો.

કે હું ગાંઠ છોડી આપું

ચાલો હું જાઉં -

રાતે જમીને અચાનક થેલો ઉપાડતાં તે બોલ્યો.

બસ સુધી પહોંચતામાં

તેને હું માત્ર બે વાતો સ્પષ્ટપણે કહી શક્યો:

એક: જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે

બીજું: અમે બધાં તેને ખૂબ ચાહીએ છીએ.

હું ખાતરીપૂર્વક કહી શકું કે

મેં તેને બસની પહેલી સીટ પર બેસાડેલો

અને

મારી નજર સામે

બસ તેને લઈને ચાલી ગઈ હતી.

પણ

હું મારે ઘરે પહોંચ્યો તો

ફરીથી બેઠો હતો મારા બેઠકરૂમમાં

ધૂંધવાયેલો, ખિન્ન પણ મૌન

જાણે ફરિયાદ કરતો

તેની ઊંડી ઊતરી ગયેલી આંખોથી.

સ્રોત

  • પુસ્તક : ભટ્ટખડકી (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સર્જક : યોગેશ વૈદ્ય
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2023