પેરેલિસિસના પેશન્ટનું કાવ્ય
perelisisna patientnu kavya
ભાનુપ્રસાદ પંડ્યા
Bhanuprasad Pandya

ભાઈ શિલ્પી,
તારું ટાંકણું લઈને આવ,
મારા આ જમણા અંગની
શિલા ઉપર લગાવ!
ને કોઈ બેનમૂન પ્રતિમા કંડાર
જેના હાથમાં હોય સિતાર
ને એના પર એની આંગળીઓ નાચતી હોય!
અથવા આ પથ્થરમાંથી
પ્રગટાવ થોડાં પંખી
જે પાંખ ફફડાવી ઊડતાં હોય
બસ, ઊડતાં જ હોય એમ દેખાય.
અગર તો
આ પડખે વળગેલ પાષાણમાંથી
નિર્મી દે એક શિશુ
જેને એની જનની
બગલમાં ગલગલિયાં કરી
હસાવતી હોય!
ને આમાંનુ કાંઈ ન આવડે
તો પછી હે કલાકાર!
નિપજાવ એમાંથી ઈસુનો આકાર
જે વધસ્તંભે લટકતો હોય
પણ ખીલા ભોંકાય ત્યારે
સ્વસ્થ ક્ષમાબોલ ઉચ્ચારવાને બદલે
ચીસ પાડતો હોય, હા, ચીસ!
ચાલ કર પ્રહાર આ પથ્થરિયા અંગ પર
આજ તો ખુલ્લેમુખ
ચીસ પાડ્યાનું આપી દે સુખ!



સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 1)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ