pawagaDh - Free-verse | RekhtaGujarati

આકાશ સ્વચ્છ હોય તો

સવારે,

ઘરના શયનખંડની બાલ્કનીમાંથી

પાવાગઢ દેખાય છે

કેસરવર્ણા આકાશમાં

ધ્યાનની મુદ્રામાં બેઠેલા જોગી જેવી

શ્યામવર્ણી કાયા ઊપસી આવે છે

કહે છે કે,

લાખો વરસો પહેલાં

પૃથ્વીનું પેટાળ ઉલેચતો જ્વાળામુખી હતો

યુગો વીત્યા

ટાઢો પડ્યો

વહાણાં વાયાં

માટીના માનવી બન્યા

ગુફામાંથી એણે મેદાનોમાં વસવાટ કર્યો

ટોળાં બન્યાં નગરો વસ્યાં

ચાંપાનેર નામનું એક ભવ્ય નગર

ઉત્તરે દિલ્લી સુધી એની આણ

એની જીતવા બાદશાહ હુંમાયુએ ઘેરો ઘાલ્યો મહિનાઓ સુધી

કહે છે કે,

વખતે રાજ હતું મહંમદ બેગડાનું

કહે છે કે,

જે એક બેઠકે બસ્સો કેળાં હજમ કરી જતો

ને દસ દસ મરઘાં ખાતો

કહે છે કે,

એણે મચક ના આપી ને બાદશાહ વીલા મોઢે પાછો ફર્યો

કહે છે કે,

વરસોનાં વહાણાં વાયાં

ચાંપાનેર ગયું ને બચ્યાં એનાં ખંડેરો

મોટાં મોટાં નગરો વસ્યાં

ને પાવાગઢની તળેટીમાં હજારો મોટરગાડીઓ બનાવનારી

કંપનીઓએ ઘેરો ઘાલ્યો

હજારો ગાડીઓ નીકળવા માંડી એના મોઢામાંથી

ને દોડવા માંડી પૂરપાટ વેગે રાષ્ટ્રીય દ્રુતગતિ માર્ગો પર

પૃથ્વીના પેટાળ ઉલેચીને માણસે પૂરવા માંડ્યાં

હજારો ગાડીઓનાં પેટમાં

સરપટ દોડતી ગાડીઓ

રાત પડે પોતપોતાનાં ગંતવ્યસ્થાનો પર

રહેઠાણોમાં વસાહતોમાં નગરોમાં

પહોંચી જાય છે

નગરોનાં સિનેમાગૃહો બતાવે છે,

મોહેંજોદડો નામની ફિલ્મો

હજારો વર્ષો પહેલાંનાં નગરો વિશે

બુદ્ધ-કૃષ્ણ કે ક્રાઇસ્ટ પહેલાંના સમય વિશે

નાની નાની વસાહતોનાં

નાનાં નાનાં મકાનોમાં

નાનાં નાનાં કુટુંબો

વરસતા વરસાદની મેઘલી રાતે

દીવાનખંડમાં ટિમટિમ દીવડા પ્રગટાવે છે

શયનખંડમાં દીવડા બુઝાવે છે

બીજા દિવસની સવારે

બાલ્કનીમાંથી

પાવાગઢ

દેખાય તો દેખાય

ને ના પણ દેખાય

દેખાય જો આકાશ સ્વચ્છ હોય તો

સ્રોત

  • પુસ્તક : સર્જનની ક્ષણે (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સર્જક : મેહુલ દેવકલા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2019