tuti paDela makanne joine - Free-verse | RekhtaGujarati

તૂટી પડેલા મકાનને જોઈને

tuti paDela makanne joine

વિપિન પરીખ વિપિન પરીખ
તૂટી પડેલા મકાનને જોઈને
વિપિન પરીખ

આખી રાત

જળની મૂશળધાર

પવનનો હઠીલો વેગ.

જીર્ણ થઈ ગયેલા મકાનને કાળનો છેલ્લો પ્રહાર!

ઉપર-નીચેના હવે કોઈ નથી ભેદ.

ભીંત વિનાના સાવ ખુલ્લા પડ્યા છે ખંડ.

પહેલે માળે

ડોશીમાની પૂજા, રુદ્રાક્ષની માળા ને કનૈયાનું હાસ,

કાટમાળની હેઠળ હટાઈ ગયાં છે વૃદ્ધનાં શેષ વર્ષ,

તૈયાર છે ઑફિસ જવાનો સૂટ અને ટાઈ,

પણે છતી થઈ ગઈ છે જેઈમ્સ બૉન્ડની બેગ.

ત્રીજે માળેથી

ગબડી પડી છે કંકુની શીશી જેવી સૌભાગ્યવતી,

ખૂણામાં પડેલા પારણાને

પવન ઝુલાવી કોને પોઢાડે છે

હવે આષાઢની વહેલી સવારે!

બીજે માળે તો

ચુપ થઈ ગયેલા ઘડિયાળના

ફાટી ગયા છે ડોળા.

સ્રોત

  • પુસ્તક : આશંકા (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સર્જક : વિપિન પરીખ
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1975