mari kamna - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારી કામના

mari kamna

હર્ષદ ત્રિવેદી હર્ષદ ત્રિવેદી

પથ્થર મારી કામના ક્યારેય હતી નહીં

પથ્થર મારી કામના છે.

કેમકે

તમે આધિપત્યના જોરે

બધું બંધ કરી દીધું છે.

આપણાં લોહીમાં

એકલો અંગારવાયુ આવનજાવન કરે છે.

અંદરની હવા

બહાર નહીં જાય તોય જગતને નુકસાન નથી.

મને ચિંતા છે

બહારની હવા અંદર નથી આવતી એની.

મને જોઈએ ખુલ્લું આકાશ.

મને જોઈએ ધોમધખતો તાપ.

મને જોઈએ વરસતો વરસાદ.

સુસવાટે વાતો પવન જોઈએ મને.

મારી તૈયારી ઘરમાં દફન થવાની નથી.

કાચઘરને

અંદરથી તોડે એવો પથ્થર શોધું છું.

પથ્થર મારી કામના છે.

પથ્થર મારી કામના ક્યારેય હજો નહીં!

(૯-૧-૯૬)

સ્રોત

  • પુસ્તક : રહી છે વાત અધૂરી (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સર્જક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2002