kale - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાલે હું મારા પિતાને મળવા જવાનો છું;

એમની સાથે બેસીને મજેદાર ચા પીવાનો છું.

ઈશાનની ઉઘાડી બારીએથી તડકો આવશે,

એમની આરામખુરશીને અડધી આવરશે.

મોગરાનાં ઓસ-ધોયાં ફૂલો પવન સુકવશે,

શરબતી ચકલી પૂંછડી ઊંચકીને કલબલશે.

મારી પાસે કાંડાઘડિયાળમાં જોવાનો સમય નહીં હોય,

મારી પાસે કાંડાઘડિયાળ નહીં હોય,

કોઈ અગત્યનું કામ નહીં હોય,

કોઈને પણ મળવાની દોડધામ નહીં હોય.

વાતો કહેશે જીવનની, હું કહીશ,

હું બચપણના કિસ્સાઓની યાદગારો દઈશ.

જૂના ચિરવિસ્મૃત ચહેરાઓ ચીતરાશે;

માતા પણ આવીને જોડાશે.

એક અચંબો મારા પ્રશ્નોમાં હશે;

સૂર્ય ઉત્તરમાં હશે.

કાલે કાલ જરૂર આવશે.

સ્રોત

  • પુસ્તક : આ કવિતા તેમને માટે અને અન્ય કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સર્જક : વિરાફ કાપડિયા
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 1998