રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજેને સપનામાં નખશિખ દેખી હોય
અને યાદ કરો ત્યાં તો ઓસરી જાય
અને સવળે એકાદી પાંદડી કે પડુંપડું ઝાકળ કે આરપારિયો પવન
કે નળિયાં ખંજવાળતો તડકો કે ભીંતે ચીતરેલી બારી
કે છુકછુક દોડ્યે જતા ચોકઠાને વળગી
ભીતર પેસવાની ગોંધળમાં તલપાપડ
ટેકરીઓ રાઈનાં ખેતર આંબાવાડિયાં ઘમ્મરઘમ પુલ હેઠળના વહેળા
ભોંયે ભીંગડાં જેવાં ઝૂંપડાં
સરનામું શોધતા સંદેશા જેવી સાઇકલ
બહેરા કાન જેવાં ભેંસનાં એદી ધણ
સરવાં રુંવાટાં જેવા થોર
અને પછી ઘોંઘાટ ઘોંઘાટ ઘોંઘાટનાં શહેર
જેને સપનામાં નખશિખ દેખી હોય
તે ભાગી જાય ટ્રેનની જેમ
ઘેરી વળે જંગલની જેમ
ઊડી જાય ધુમ્મસની જેમ
આથમી જાય પૂરવની જેમ
છોડી જાય પવનની જેમ
અને સજેલા અરીસામાંથી વળી સાદો કાચ બની જતા અક્ષર
વળી વળી ફરી ફરી કોઈના સ્ટેશને શબ્દેશબ્દ આબેહૂબ રૂપ લઈને રમત માંડે તે
કવિતા
સ્રોત
- પુસ્તક : કવિતા વિશે કવિતા (પૃષ્ઠ ક્રમાંક 27)
- સર્જક : દિલીપ ઝવેરી
- પ્રકાશક : બીજલ પ્રકાશન
- વર્ષ : 2016