patnine.... - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સોય-દોરો લે, મારું ખમીસ સાંધવાનું છે.

બાકી પાસે નેતરની ખુરશીમાં બેસ,

તારા અરીઠે ધોયેલા વાળમાં સવારનો તડકો પડે, એમ.

આંખો બીડી તને જોઈ શકું. રીતે બેસ.

ભૂરા રંગની રીલ લે, દોરો તારા હોઠ વચ્ચેથી પસાર કર.

એનો રંગ બદલી નાખ.

ખમીસનું કાપડ તારા ઘૂંટણ પર મૂકી, સળ વગરનું કરી, બરાબર જો.

નેતરની નાનકડી પેટી ખોલી

બટન પસંદ કર,

પેટી બંધ કરી, પછી મારી સામે જો.

દોરો, ઘૂંટણ, ખમીસ, ખુરશી, બટન, બારી, તડકો અને હું

બરાબર મૅચ થતાં તને લાગે.

એના જેટલું મહત્ત્વનું મારે માટે અત્યારે બીજું કશું નથી.

સોયમાં દોરો પરોવ. મારું ખમીસ સાંધી દે.

મારાં ચશ્માં ખોવાઈ ગયા છે, ગોતી દે.

પૂછપૂછ ના કર. મને યાદ નથી. છેલ્લે હું કાંઈ વાંચતો નહોતો.

છેલ્લે તો તને જોઈ’તી.

તું પગથિયાં ચઢીને જતી’તી.

પછી તું વળાંક પાછળ ચાલી ગઈ.

ચશ્માં વગર ફાવતું નથી, ક્યારનું.

તને હજાર કામ છે, એની ખબર છે મને, સમજી?

પણ ચશ્માં વગર હું ચશ્માં કેવી રીતે ગોતું કહેશે?

વાતો ના કર.

તારાં હજાર કામ પડતાં મૂકીનેય આવ.

ત્યાં ક્યાંક હશે, પગથિયાં પાસે

કે વળાંકની સ્હેજ આગળ.

વાર ના કર. આવ.

ચશ્માં જો ત્યાં ક્યાંક જડે, તો લેતી આવ.

પૂછપૂછ ના કર. ગોતી દે ને પછી પહેરાવી દે.

ને પછી તારાં કામ કર, હજાર, પણ ઓરડામાં,

તું દેખાયા કરે રીતે.

રસોડામાં ચૂલો પેટાવ, કણક બાંધી વઘાર કર, ચાંગળામાં પાણી લઈ

ધીમે ધીમે આંચ પકડતી મારી ચિતા પર છાંટ.

કાંઈક ભૂલથી ચેતાવાઈ છે.

બાજુના રૂમમાં તું છે.

ગઈ કાલે ધોયેલાં મારાં કપડાંની ગડી વાળે છે.

મારા ખમીસના સળ સીધા કરતી તારી હથેળીનું હૂંફાળું વજન

મારી છાતીને શ્વાસ લેતી કરે છે.

બાજુના રૂમની બારી ઉઘાડ.

પરસાળમાં પડેલાં બૂટ-ચંપલ સરખાં ગોઠવ.

આપણા કંપાઉન્ડ સામેનું દૂધનું બૂથ ઊઘડ્યું કે નહીં, જોવા

એક નજર કર.

આઈ.સી.યુ.માંથી આજે મને છુટ્ટી આપવાના છે.

કંટાળાભરી ને થકવી નાખતી મુસાફરી કરી

આપણે ઘણે વખતે ઘેર આવ્યા છીએ.

તું થાકી છે, હમણાં તારો માસિક સ્રાવ શરૂ થયો છે,

ને તારી પાસે નેપકિન્સ નથી.

મૂંઝા નહીં.

મારા જૂના ખમીસને કબાટમાંથી કાઢ, સ્વચ્છ છે, એને ફાડ,

તને ઠીક લાગે ભાગમાંનું એનું કાપડ તારા શરીર પર ગોઠવ.

આરામ કર.

હું બજારમાં જઈ સીધુંસામાન લઈ આવું.

આજે ટિફિન લાવી નથી ખાવું, પછી હું તને મારી છાતી પર

થાબડીને ઉંઘાડી દઈશ.

હમણાં તો તું રસોડામાં ચૂલો પેટાવ, કણક બાંધ, વઘાર કર,

ચાંગળામાં પાણી લઈ મારી કજળતી ચિતાને ટાઢી કર.

(જૂન, ૧૯૯૫)

સ્રોત

  • પુસ્તક : વખાર (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2009