hamna hamnathii - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હમણાં હમણાંથી

hamna hamnathii

રેખાબા સરવૈયા રેખાબા સરવૈયા
હમણાં હમણાંથી
રેખાબા સરવૈયા

હમણાં હમણાંથી આવું થાય છે

ટીફની સ્કૂલબેગમાં વોટરોલ મૂકવાની રહી જાય છે

ને યાદ આવે,

ઉતાવળે ગેસ ઉપર કૂકર ચડાવતાં

અપરાધવૃતિનો તૂરો સ્વાદ જીભ ઉપર

ફરી વળે પહેલા

અદરખ-તુલસીવાળી ચાનો સબડકો

સિસકારો

જીભ દાઝી કે બીજું કંઈ

ગળામાં કંઈક અટવાયું ઊંડો નિસાસો

ડુમાનો ચિત્કાર

પતિની બૂમ કાન સોંસરવી

સોરી હોં દૂધીના શાકમાં અજમો નહીં નાખું

હવેથી ધ્યાન રાખીશ. કાલે તો જરા

પતિ દ્વારા બારણું બંધ

ધ....ડા......મ

ઊંડો ધ્રાસકો પગમાં ગતિ

વચમાં ‘અરે, ઉફ!’

મશીનમાં નાખવાના કપડાં પગમાં વીંટળાયાં

રંગીન કપડાંને અલગ કરવાની તમા કર્યા વગર જ;

મશીનમાં નાંખીને ચકરડું ઘુમાવ્યું

મશીનમાં કપડાં અવળા-સવળા વીંટળાયાં

અને

મનમાં વિચારો

નકામી કાળજી રાખી રાખીને અળગો રહી

વખતે

–જ્યારે સાંગોપાંગ રંગાઈ જવાનું હતું

હેબતાઈ ગઈ, મશીન ઉપરની ભીંતે ચોડેલા અરીસામાં જોઈને

ચહેરો પોતાનો છે?

હડબડતા આત્મવિશ્વાસે જરાક થથરી આંખો

અંધારિયા કૂવા જેવી

કોણ બોલેલું : ગોખલાના દીવા જેવી

અત્યારે પણ અજવાળાં જેવું હસવા તો ગઈ

પણ મનમાં દૂધવતાં

હવડ કૂવાના ઘોર અંધકારે

આંખો આંજી દીધી

છાતીનું પારેવું ફફડી ઊઠ્યું

ને લાગલુંજ

રંગ, ગંધ, સ્વાદ, ધ્વનિ અને સ્પર્શની પેલે પારની ક્ષણે

સમજણનાં સરનામાં જેવું

આત્મીય અજવાળા જેવું

અને કાળજીભરી હૂંફ જેવું એક નામ યાદ આવી જાય છે

હા, હમણાં હમણાંથી આવું થાય છે.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ