paththro tale - Free-verse | RekhtaGujarati

શું હશે પથ્થરો તળે? હીરા, શું હશે

પથ્થરો તળે? પાણી. પાણી? હશે પથ્થરો તળે.

ક્યાં? હશે પથ્થરો તળે.

હશે?

શું હશે પથ્થરો તળે? લાવા. હીરા હશે હીરા પથ્થરો તળે પાણી.

સિંદૂરિયા લેપ કર્યા અને રેડ્યું તેલ. ના? ઝરિયાના

પહેરાવ્યા અને ઘીનાં કમળ. તો? ગર્ભાગારમાં સ્થાપ્યું

રૂઢિચુસ્ત લિંગ અને સતત ઠંડા પાણીની ધાર.

હવે? શું થશે? હશે હવે પથ્થરો તળે. હશે કે? હશે હવે.

પથ્થરો ફંગોળ્યા છે સમજાતા આકાશમાં. તો?

ક્યાંક ચાર પગ અને તીર, ક્યાંક સાત માણસો

અને સ્ત્રી, ક્યાંક પારધી, ક્યાંક એકમેકને

તાકતાં પણ હરફ ના બોલતાં ચંદ્રનું અને

તારાનું હરણ, પોતપોતાના રાહુ અને પારધીના

ખ્યાલમાં ખોવાયલાં.

ક્યાંક ક્યારેય સ્થિર રહી તોતિંગમાં ધ્રુવ.

જાઓ જાઓ.

ના સમજાતા આકાશમાં ના સમજાતા પથ્થરો

ફંગોળ્યા અણસમજુએ.

ના સમજાતા પથ્થરોને નામ આપ્યાં ને પથ્થરો

પર તેજ ને પથ્થરો પર જીવન ને પથ્થરો પર પાણી.

ખળખળખળ—શું હશે પથ્થરો તળે? પથ્થરોમાં

શું હશે? શું હશે પથ્થરો?

સ્રોત

  • પુસ્તક : ઓડિસ્યુસનું હલેસું (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સર્જક : સિતાંશુ યશશ્ચંદ્ર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2009
  • આવૃત્તિ : 2