taDko - Free-verse | RekhtaGujarati

સુખની ઝીણી ઝીણી રુવાંટી જેવું ઘાસ

ચરતી કાબરચીતરી ગાયોની

ખરીઓ વચ્ચેથી

નીકળી આવ્યું મારું તૃણુ-મન!

ઊડીને ગાયની પીઠ પર

બેસવા જતાં બગલાનું ઉડ્ડયન

થીજી ગયું ત્યાં અધ્ધર!

અહીં

ગાયની પીઠ પરની રુવાંટી થિર્કી ઊઠી

અને, બગલાની પાંખો બીડાઈ ગઈ.

મારી પાંપણોમાં.

ઢોળાવો પરથી ગબડવા લાગ્યો

એક પથ્થર ચકમકનો,

એમાંથી ફૂટ્યો હશે તડકો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 111)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983