pathro - Free-verse | RekhtaGujarati

તેં જોરથી ફેંક્યો

ને હું તૂટી ગઈ.

મારું પ્રતિબિંબ રમે જિગ્સો

ઘરમાં ઠેકઠેકાણે વેરાયેલા

તીક્ષ્ણ ટુકડાઓ ગોઠવી

બનાવવા કરે એક સંપૂર્ણ આકૃતિ.

ત્રણ ટુકડામાં વહેંચાયેલો ડાબો હાથ

થોડા વધારેમાં જમણો હાથ ને બે પગ

લગભગ કરચોમાં ખોવાયેલી

કરોડરજ્જુ મહેનતથી જોડે

શું ઉપાડી શકશે ભાર

શરીરનો આટલા સાંધા પછી?

ખાટલાની ઠેઠ નીચે પહોંચી ગયેલા

પાંસળીના કટકાઓ

તેય કાઢ્યા

માથું હેમખેમ છે

ને ચહેરો પણ

સિવાય તૂંટું તૂટું થતી તિરાડો

ને આંખવાળા બે ટુકડા

જે ક્યાંય દેખાતા નથી

ને હૃદયનો પણ અડધો ટુકડો

કદાચ...

તું જરા પગ ઊંચો કરે?

પણ છોડ

હશે તોય

હવે કંઈ અર્થ નથી.

સ્રોત

  • પુસ્તક : ળળળ... (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સર્જક : પ્રતિષ્ઠા પંડ્યા
  • પ્રકાશક : નવજીવન સાંપ્રત
  • વર્ષ : 2019