dhool - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રવિવારે નિરાંતે

ઝાપટિયાથી ધૂળ ઝાપટી

તો ઝપટાઈ ગયા

હસ્તિનાપુર ને મગધ

બેબિલોન ને બુખારા

એથેન્સ એલેક્ઝાન્ડ્રિયા

ન્યૂયૉર્ક ને બ્રાઝિલિયા.

*

ધૂળ પગલાં પાડે છે

ભૂંસે છે પણ!

*

વગડામાંથી આવું છું

તો વળગી પડે છે

ઘાસના બદામી બીજ

મને માટી જાણીને

હા, હું માટી છું તે વાત તો સાવેય સાચ્ચી

પણ...

તેને તો હજી કેટલીય વાર………

ત્યાં તો અંદરથી કોઈ પૂછે છે

કેટલી છે હવે વાર?

*

હે મેઘ!

અલકાનગરીમાં

કુરવક કરેણ કદંબ કુંદ

બકુલ અંબ અર્જુન ભલે હોય,

મારી યક્ષિણી પણ ભલે હોય;

પણ ત્યાં શું

ધૂળ છે?

*

પથ્થરની નહીં

પણ

બહુ બીક લાગે છે

ધૂળની

વસે છે ટેબલ પર, ટી.વી. પર

ભૂર્જપત્રો પર, પ્રેમ પર...

ખુરશી પર, નગરો પર

અણદીઠ

એકસરખી

ધીરેધીરે

ચૂપચાપ...

બહુ બીક લાગે છે

ધૂળની!

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા: યજ્ઞેશ દવે (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સર્જક : યજ્ઞેશ દવે
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2020