aadim paththro - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આદિમ પથ્થરો

aadim paththro

મેહુલ દેવકલા મેહુલ દેવકલા
આદિમ પથ્થરો
મેહુલ દેવકલા

લિસ્સા દૂધિયા

ગોળાકાર

આદિમ પથ્થરો

વાતાનુકૂલિત રેસ્ટોરન્ટની

લિસ્સી બારસાખ પર

ખાસ્સી લાંબી સફરના

અંતે આવ્યા હશે

પપ્પા બોલ્યા

મહીના વિશાળ પટમાં

આવા પથ્થરોથી

રમતા અમે

સંધ્યાટાણે

વીજળી જતાં

આંબા નીચે

ચકમક પથ્થરોથી

ચમકાવેલા તણખા

હવે તો લગભગ ભુલાયેલા ભેરુઓની

આંખે જોયાનું

મને પણ કૈંક યાદ આવ્યું

સહજીવનની શરૂઆતના

પ્રથમ પ્રવાસે

અંતરિયાળ

નોર્બુલિંગકા મોનેસ્ટ્રીના

રમણીય ઉદ્યાનમાં ભાળ્યા હતા

પથ્થરો

અજાણી કોઈ લિપિ કોતરેલા

એક પર એક ગોઠવાયેલા

શ્વસી રહ્યા હતા

મણિ પદ્મે હું...

પથ્થરોથી

પહેલવહેલાં માનવોએ

પ્રગટાવ્યો હશે અગ્નિ

ગુફાઓનાં અંધારામાં

ને ભાળ્યો હશે

જંગલી જનાવરોની આંખોમાં

આદિમ માનવો

ને

આદિમ અગ્નિ

કરતાં પણ

આદિમ છે પથ્થરો

સ્રોત

  • પુસ્તક : સર્જનની ક્ષણે (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : મેહુલ દેવકલા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2019