paththar hathman hoy tyare - Free-verse | RekhtaGujarati

પથ્થર હાથમાં હોય ત્યારે...

paththar hathman hoy tyare

જયા મહેતા જયા મહેતા
પથ્થર હાથમાં હોય ત્યારે...
જયા મહેતા

પથ્થર ઇતિહાસ છે પથ્થર ઇમારત છે પથ્થર શિલ્પ છે

ગાંધીનું ઈશુનું બુદ્ધનું. પથ્થર સ્મૃતિ છે પથ્થર સમૃદ્ધિ છે

તાજમહાલની. પથ્થર પાળિયો છે પથ્થર પાયો છે

પથ્થર આધાર છે પથ્થર હથિયાર છે.....

ક્યારે શીખ્યા આપણે બધું?

પથ્થર હાથમાં હોય તો તાકાતનો અનુભવ થાય છે

અને ભૂલી જવાય છે કે ઘવાય છે ત્વચા

ત્વચા શ્વેત હોય કે શ્યામ

અણિયાળા પથ્થરથી ઘવાય છે ત્વચા અને

પથ્થર હાથમાં હોય તો

ભૂલી જવાય છે કે

પછડાટ ખાધેલા માણસને પાણી પાઇ શકાય છે અને

ભૂલી જવાય છે કે

દુશ્મનને પણ પાણી પાઇ શકાય છે

ભૂલી જવાય છે બધું

પથ્થર હાથમાં હોય ત્યારે....

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 219)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004