parloke patra - Free-verse | RekhtaGujarati

પરલોકે પત્ર

parloke patra

હીરાબેન પાઠક હીરાબેન પાઠક
પરલોકે પત્ર
હીરાબેન પાઠક

મુજ મનમિત

વીત્યાં કેટલાંય વર્ષ!

વાવડ નહિ.

હવે તો...

આ... આવ્યો, કંટાળો મને ભારી.

ક્હો, ક્યાં લગી આમ,

જીવ્યે જાઉં, રિબાયે જાઉં?

નહિં મિલન, નહિ દર્શનોદ્ગાર

નથી કાંઈ કાંઈ.

સિવાય કે

કર્મકઠોર જીવિતનું

કરાલ કારાગાર રચ્યું મેં

ગહરા વિરહ વિષાદને

ભારી દૈ ભીતર.

તેને ભેદીને, બિચારો મારો શોક!

ચસીયે શકે કે લેશ?

ભંડાર્યો રૂંધ્યો બેશ

તેવાં નિશિવાસર વિતાવું :

ભૂખનિંદ ભાન વિના

આરામ આનંદ કેરી સાન વિના

જીવિત જીવ્યે જાઉં, જીવ્યે જાઉં.

મજલ કાપ્યે જાઉં, કાપ્યે જાઉં.

પણ હવે!

મારા ધૈર્યે ગુમાવ્યું બધું ધૈર્ય.

કેવી મારી દશા! જાણો કૈં?

તમકવ્યા ગૌરમુખે

શ્યામ છાયા ઢળેલી છે ય.

અલૂણી દેહ.

શૂન્ય ઉર વણનેહ

હું, હું નહિ પોતે,

એકવેળા જેહ.

કેવી મારી દશા! જાણો કૈં?

દિનાન્તે શાન્ત સમુદ્રજલ સુવરણ,

તે પરે છવાય ભીષણ, અંધ

અંધકારનું ઘન આવરણ.

તે વેળા,

નાની શી નાવડી :

મહીં છેક આછેરો

બિન્દુદીપ જ્વલિત

ચહુદિશ વાયરાનો ફફડાટ,

હિય એનું હરઘડી

હાલમડોલ ડાકમડોલ

તે,

પ્હેરોડિયે, પ્રસ્થાનની આશે

સિંધુકાંઠે સઢ સંકોચી,

ઊભે જેવી નિર્જીવ

વિના સઢ,

અસાહાય્ય, અશોભન, અડવી :

તેવું જીવિત

જીવનથી મુક્ત થાવા જીવી રહ્યું.

શું કહું?

ગઈ કાલ, સારીયે રયણી વ્હૈ ગૈ;

પ્હેરોડે જરી જંપ,

આંખ જરા મળી ગૈ.

ને નીંદમહીં

લાધ્યું એક સ્વપ્ન :

મહીં મિલનવિરહ એકાકાર

જેનો ઉરને ચચરાટ હજી ભારે.

આપણ બેય મળ્યાં

વિરહદીર્ઘ કલ્પ બાદ

આપણા જૂના

આવાસતણી છાયામાં;

હતી, શોકઘેરી સાંજકની વેળ.

મિલનની સાથ,

ગતકાલ કેરો, ભારેલો જે ભાર

આક્રન્દરૂપે ફૂટે વદું વેણ :

“આ જીવિત જોઈએ.”

કંધે દઈ હસ્ત, કરુણાએ કહ્યું :

“કાચું ફળ બિનપક્વ, ભોંયે તે શું પડે?

દેહાવધિ વિણ શું કે જીવિત ખરી પડે?

સમજીને લેખી ઈષ્ટ, જીવ્યે જવું;

ઈષ્ટ જીવન જીવ્યે જવું,

શું જીવિતનો મર્મ?”

હજુ તો સુણુ–ન–સુણું વેણ.

તમ થાવું અદૃશ્ય અલોપ.

મારું રુદન અસાહાય્ય લાચારી,

અને પ્રિય!

મારી દુર્ભાગી જલછાયી દૃષ્ટિને

તમ શુભ્રોજ્જવલ વસ્ત્રાન્તનો

હજીયે ’છ સ્પર્શ,

વિરમું હું

લિખિતંગ

દુર્ભાગી, એકાકી

હું

સ્રોત

  • પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી, ૧૯૭૦ (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ