pariwartan - Free-verse | RekhtaGujarati

પરિવર્તન

pariwartan

ગોવિંદ પરમાર ગોવિંદ પરમાર
પરિવર્તન
ગોવિંદ પરમાર

ગઈ કાલે

પેલા ચાબૂકે

પેલી લાચાર ઉઘાડી પીઠો પર

ચીતરી ગીધેલાં સાપોલિયાં

માંસના દરમાં પડ્યાં પડ્યાં

ઝેરી સાપો બની ચૂક્યાં છે આજે

ઝેરી સાપો બની ચૂક્યાં છે આજે

અને આજે

પેલી સડકના કિનારે

અસંખ્ય પથ્થરો ઉથલાવીને

મધ્યાહ્ને

રોટલો ખાવા બેઠેલા મજૂરની ઉઘાડી પીઠ પર

સૂકાયેલાં પ્રસ્વેદ બિંદુઓની છારીથી

અંકિત થયેલો ‘પરિવર્તન’ શબ્દ

સ્પષ્ટ વાંચી શકું છું હું.

હવે મારે

આવતી કાલની રાહ જોઈ બેસી રહેવાનું છે

પણ...

આવતી કાલની રાહ જોઈ બેસી રહેવાનું છે

પણ...

આવતી કાલની પરંપરા સર્જાય તો સારું.

દૂર દૂર

મારી નજર બહારની કોઈ આવતી કાલ

મારા વૃદ્ધત્વને લઈ આવી પહોંચે તે પહેલાં-

પેલા ચાલાક મદારીઓ

પેલા સાપોને વિષહીન કરી દેશે તો-

ફરી કદીયે ધરા પર

અવતરવાની પ્રતિજ્ઞા સાથે

મારા વૃદ્ધત્વને ફાળે આવનારી

મારી તમામ આવતી કાલને હણી નાખીશ હું!

સ્રોત

  • પુસ્તક : વિસ્ફોટ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : ચંદુ મહેરિયા
  • પ્રકાશક : દલિત સાહિત્ય સંઘ
  • વર્ષ : 1984