પરસાળનો વૈભવ
Parasaal No Ariso
કોન્સ્ટેન્ટાઇન પી. કાવેફી
Constantine P. Cavafy
કોન્સ્ટેન્ટાઇન પી. કાવેફી
Constantine P. Cavafy
એ વૈભવશાળી ઘરમાં એક વિશાળ અરીસો હતો,
પરસાળમાં મૂકેલો, ઘણો જ પુરાણો અરીસો,
નહિ નહિ તોયે એંશી વર્ષ પહેલાં ખરીદેલો.
એક દેખાવડો કિશોર, દરજીનો મદદનીશ
(અને રવિવારની નવરાશની ૫ળોનો વ્યાયામી)
ત્યાં એક સંપેતરું લઈ ઊભો હતો. સંપેતરું તેણે આપ્યું ઘરનો એક માણસને
જે રસીદ લેવા અંદર ગયો.
દરજીનો મદદનીશ,
એકલો પડીને પ્રતીક્ષા કરતો,
ગયો અરીસા પાસે, જાતને જોઈ,
ટાઈ ઠીક કરી. પાંચ મિનિટમાં
એને માટે રસીદ આવી. તે લઈ એ ચાલ્યો ગયો.
પરંતુ એ પુરાણો અરીસો, જેણે કેટલુંયે જોયું હતું
પોતાના પ્રલંબ આયુષ્યમાં–
હજારો વસ્તુઓ, ચહેરા–
એ પુરાણો અરીસો હવે ખુશખુશાલ હતો,
ગર્વમાં હતો, કે તેણે આશ્લેષમાં લીધું હતું
પૂર્ણ સૌંદર્ય, કેટલીક પળો માટે.
(અનુ. ઉદયન ઠક્કર)
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 50)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
