pankhipdarath - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પંખીપદારથ

pankhipdarath

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
પંખીપદારથ
હરીશ મીનાશ્રુ

હજાર પાન

હજાર ફૂલ હજાર ફળ

હજાર હાથવાળું વૃક્ષ ઊભું છે

ને એની એકાદ હથેળીમાં હાજર છે

એક પંખી

એટલું બધું જીવંત

કે મૃતક જેટલું સ્થિર

પંખીને મિષે પૂછી શકાત વ્યાજબી પ્રશ્નો

યાયાવરીનાં અથવા યુયુત્સાનાં

પરંતુ ગુરૂ તો પૂછે છે સાવ સરળ પ્રશ્ન

ધનુર્ધરને: તને શું દેખાય છે, વત્સ?

વૃક્ષ? ડાળ? પાંદ? ફૂલ? ફળ? પંખી? ...

તંગ બનશે પ્રત્યંચા

એક પછી એક, સૌ સાધશે નિશાન, એકાગ્રતાપૂર્વક

સૌને ખબર છે:

જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરું વૃક્ષ તે થશે પારધી

જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરાં પાંદડાં તે થશે વ્યાપારી

જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરાં પક્વ ફળ તે થશે ગૃહસ્થ

જેને દેખાશે પૂરેપૂરા પંખી સાથે પૂરેપૂરું પુષ્પ તે થશે પ્રણયી

જેને દેખાશે કેવળ પંખી તે થશે એકાકી

જેને દેખાશે કેવળ પંખીની આંખ તે થશે જોગી

પરંતુ

કેવળ પંખીને પૂરેપૂરી ખબર છે કે

જે જોઈ શકશે પંખીની આંખમાં સ્વયંની છબિ

બનશે બાણાવળી

જે સ્વયં હશે વિદ્ધ

તે કરશે સિદ્ધ

શરસંઘાન

હજાર હજાર હાથાવાળા વૃક્ષની

હજાર હજાર હથેળી પર

હજાર હજાર અભયમુદ્રા ધરીને

પંખી તો બસ હાજર છે

અણીની પળે

સ્રોત

  • પુસ્તક : પ્રતિપદા (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : પ્રશાંત પટેલ, યોગેશ પટેલ
  • પ્રકાશક : ડૉ. મોહન પટેલ
  • વર્ષ : 2015