kukDa winani sawar - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કૂકડા વિનાની સવાર

kukDa winani sawar

પવનકુમાર જૈન પવનકુમાર જૈન
કૂકડા વિનાની સવાર
પવનકુમાર જૈન

ખરી વાત છે :

કૂકડો બોલે,

તો સવાર પડે

એવું કંઈ નથી.

પડોશીના વાડામાં કૂકડો

બોલે, ને તમે

આળસ મરડો,

કે પથારીમાં ઍલાર્મ

રણકે, ને તમે

ઊછળીને બેઠા થઈ જાઓ—

સવાર તો આમ પણ

પડશે, ને તેમ પણ.

આભમાંથી કશુંક પડશે

ને ધરતી પર પટકાશે.

ત્યારે પરોઢ ફૂટશે

ને એમ સવાર પડશે.

કાળાં ઝાડ-પાન લીલાં થશે.

ફૂલો રાતાં, પીળાં, નીલાં ને ગુલાબી થશે.

બધે બધું રંગબેરંગી થશે.

કાગડા, કાબર, પોપટ, ચકલી

કલશોર કરશે.

એવે ટાણે કૂકડો બોલે,

તો સવાર પડે

એવું નહીં થાય.

ખરી વાત છે.

તોય જરીક

સુનુંસૂનું તો લાગશે ને!

સ્રોત

  • પુસ્તક : ૬૫ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : પવનકુમાર જૈન
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2012