ek sust sharadni rate - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક સુસ્ત શરદની રાતે

ek sust sharadni rate

નિનુ મઝુમદાર નિનુ મઝુમદાર
એક સુસ્ત શરદની રાતે
નિનુ મઝુમદાર

એક સુસ્ત શરદની રાતે

આળસ મરડી રહી'તી ક્ષિતિજો ને વ્યોમ બગાસું ખાતું હતું,

આંખો ચોળી નિદ્રાભારે પાંપણ પલકાવતી તારલીઓ,

ભમતી'તી આછી વાદળીઓ કંઈ ધ્યેય વિના અહીંયાં ત્યહીંયાં.

ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી,

એક સુસ્ત શરદની રાતે.

ત્યાં મંદ પવન લહેરાયો,

ડાળે પંખી બેચેન થયાં જરી ઘેનભરી કચકચ કીધી,

એક બચ્ચું હરણનું બેઠું થયું હળવેથી ડોક ખણી લીધી.

મૃગલીએ પાસું બદલીને નિજ બાળનું શિર સૂંઘી લીધું.

ને ભીરુ સસલું ચમકીને બેચાર કદમ દૂર દોડી ગયું.

એક સુસ્ત શરદની રાતે

જ્યાં મંદ પવન લહરાયો,

ચંપાએ ઝૂકી કાંઈ કહ્યું મધુમાલતીના કાનોમાં;

મધુમાલતી બહુ શરમાઈ ગઈ,

અને ઝૂમખે ઝૂમખે લાલ થઈ

ને ચંપો ખડખડ હસી પડ્યો.

ભ્રૂભંગ કરી રહી વૃક્ષઘટા,

કંઈ ફૂલ બકુલનાં કૂદી પડ્યાં મધુવનની ક્યારી ક્યારીએ,

માંડી કૂથલી ઉશ્કેરાઈને ચકિત થઈ ગભરુ કળીઓ,

ગુલબાસ જૂઈ ગણગણી ઊડવાં,

દર્ભે ડમરાને ગલી કરી.

વૃદ્ધ પીપળો ડોકું ધુણાવી ગયો સમય સંભારી રહ્યો

એક સુસ્ત શરદની રાતે

જ્યાં મંદ પવન લહરાયો,

કાઢીને અંચલ મેઘતણો દિગ્વધૂઓ અંગો લૂછી રહી,

જોવા શશિરાજ ચઢ્યો ગગને, અણજાણને ઇચ્છા જાગી ગઈ;

ક્યહીંથી અણદીઠો સ્નેહ ઝર્યો, પ્રસ્વેદ ફૂટ્યો પાને પાને,

સૂતેલી કલા પ્રગલ્ભ ધરાને રૂપેરી રોમાંચ થયો,

એક સુસ્ત શરદની રાતે

જ્યાં મંદ પવન લહરાયો.

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008