jatan pahelan - Free-verse | RekhtaGujarati

જતાં પહેલાં

jatan pahelan

જયા મહેતા જયા મહેતા
જતાં પહેલાં
જયા મહેતા

જતાં પહેલાં બધું આવું કેમ થતું હશે?

શ્વાસ ઊંડા ઊતરવા માંડે

આંખે નિસ્તેજ થતી જાય

જીભ થોથવાવા માંડે

શરીર આખું શિથિલ થઈ જાય..

આવું બધું થાય પહેલાં..

અહીંથી વિદાય લઈ શકાય?

ગુલાબની પાંદડીઓ પરથી

ઝાકળ હળવેથી અદૃશ્ય થાય...એમ

દૂધમલ બાળક ખિલખિલ હસતું જાગે

ને નિદ્રા સરી જાય...એમ

નવીનવી પાંખો ફફડાવતું

પંખીબાળ માળામાંથી ઊડી જાય...એમ

કોશેટાના તાંતણા વીંધી

રંગસભર પતંગિયું

બહાર નીકળી જાય એમ...

નૂરજહાનના કંઠમાંથી સરતા સૂર

ધીરેધીરે હવામાં વિલીન થાય...એમ

બધું વિવર્ણ થાય પહેલાં...

સ્રોત

  • પુસ્તક : શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ... (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સંપાદક : ઉષા ઉપાધ્યાય
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2007