warsho thayan paDti nathi diwal - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વર્ષો થયાં પડતી નથી દીવાલ

warsho thayan paDti nathi diwal

લાભશંકર ઠાકર લાભશંકર ઠાકર
વર્ષો થયાં પડતી નથી દીવાલ
લાભશંકર ઠાકર

વર્ષો થયાં પડતી નથી દીવાલ

પણ

છત ખરે છે રોજ

એના છિદ્રમાંથી ગોળ ચાંદરડાં

રે

ની

ચે

અને હલબલ્યાં કરતાં બપોરે ઊંઘમાં

ને, ગાડી નદીના પુલને ઓળંગતી

છુક છુકા છૂક જાય છે ચાલી.

હું ભીંતને ટેકે ઊભો રહું

ભીંતઃ

મારી વૃત્તિઓ

વૃક્ષ

પથ્થર

ટેકરી

પાણી

હવામાં ઊડતાં પંખી

ટગરનાં ફૂલ

બત્તી

કાચબાની પીઠ જેવી સાંજ

મારી ભીંત

મારી ભીંતને આંખો નથી

ને આંખમાં ઊભી રહી છે ભીંત

મારી ચામડી થીજી ગયેલી ભીંત છે.

જે મને દેખાય તે પણ ભીંત છે.

મારું નામ-ગામ તમામ

મારું તમારું તેમનું જે કંઈ બધું તે ભીંત

બધાં તે ભીંતનાં દશ્યો

બધાં તે ભીંતનાં

ગુણો

કર્મો

સંખ્યા

વિશેષણ

નામ

અવ્યય

અને વ્યયને વિશે અવકાશ તે પણ ભીંત

ભીંતનું ચણતર ચણે તે હાથ મારા ભીંત

તારતમ્યોનાં કબૂતર

ભીંત પર બેસી કરે છે પ્રેમ તે જોયાં કરું છું.

ભીંતને પણ પાંખ, જે ફફડે કદાચિત્

તારતમ્યોની વચ્ચે

ફફડતી પાંખની વચ્ચે

પ્રણયનું એક તે ઈંડું

હજુ સેવી શકાયું ના

અને વાંઝણી ભીંતો

સુપનામાં સ્તન્યપાન કરાવતી

કોને?

હરાયાં ઢોર જેવી દોડતી ભીંતો

હજુ શોધી રહી કોને?

હરાયાં ઢોર જેવી દોડતી ભીંતો

હજુ અટકી નથી

અટક્યું નથી મારી નજરનું નદીપૂર

મારી નજરનું આંધળુંભીંત નદીપૂર

દોડતું અટક્યું નથી;

તો હવે

જે કંઈ નદીનું નામ

તે ચંચળ છતાં

અસ્થિર છતાં

દોડયે જતા ઊંડાણમાં તો

ઊંઘમાં પથ્થર સમું ઊભું રહ્યું છે.

ને ચરબીની ભીંતોમાં

ઝીણું ઝીણું સળગતી નજરોથી

હું તાક્યાં કરું છું.

મારી ઝીણી આંખોના પહોળા પ્રકાશમાં

રઝળતા શબ્દોને

મારી ચરબીની ચીકાશમાં ભીંજવીને

પેટાવવાનું કામ મને કોણે સોંપ્યું છે?

ધૂળના ઢગલા મેં કર્યાં હતા તે ભૂંસી નાખવા.

સવારે આંખ ઉઘાડી હતી તે રાત્રે મીંચી દેવા.

ઊંચાંનીચાં મકાનોની

વાંકીચૂકી શેરીઓમાં

ગાયબકરીની સાથે અથડાતા

ને પછડાતા

પડછાયાને હું યાદ કરું છું

ઊઘડતી સવારીને હું સાદ કરું છું

પણ ચરબીની દીવાલોમાં

ઝીણું ઝીણું સળગતી

નજરોના પહોળા પ્રકાશમાં

બધું બેસૂધ અને બહેરું જણાય છે.

પવન તો વાય છે.

શબ્દોના પડછાયા પણ હલે છે

ઊંઘણશી દીવાલોનાં નસકોરાંનો અવાજ પણ

સંભળાય છે

પણ જાણે બધું

બેસૂધ અને બહેરું બહેરું લાગ્યાં કરે છે.

હરણફાળે દોડતા પગોના પડછાયા

બોરડીમાં ભરાવા છતાં ચિરાયા નહોતા.

સાપની કાંચળીમાં સરકી શકેલો વિસ્મય

કમળની શય્યા પર આંખો બીડીને

એક પલક પણ

ઊંઘી શકશે હવે?

મારા પ્રકાશની દશે ધારાઓ

અવિરત કંપ્યાં કરે છે.

અને કંપ્યાં કરે છે મારાં ક્રિયાપદોનાં

પૂર્ણવિરામો.

વિરામ તો વિશ્વની પીઠ

અને વિશ્વાધારના અવિશ્વાસનું

અંધારું

મારી ચરબીને પોષ્યાં કરે છે.

હું ગતિશૂન્ય.

મતિશૂન્ય મહારથીઓની વજ્રમુઠ્ઠીઓ

મારી રાત્રિઓને હચમચાવે છે.

તમારાંઓ! તમારું પાંડિત્ય મારી ગોખણપટ્ટીનાં

ખંડેરોમાં

ચામાચીડિયાં બની અથડાય છે;

પછડાય છે

સ્રોત

  • પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2005