daw - Free-verse | RekhtaGujarati

પહેલાં હથેળી જેટલી ભોંયમાં

ભૂકો સળગે

પછી તંગલા ઊંઘતા મજ્જામાં દીવો ચાંપે

ફૂંક અગ્નિ અને ભડભડ

ભેગાં વહે ઘાસ પર

ટીમરું થડમાં તતડાટ

ખાખરાનો રસ છાલ પર આવે

ચરુંણ ચરુંણ

રસ બળ્યાં કાળાં ટપકાં

દવડાય વેલા

ફોલ્લા ફાટે

તાંબાકુંપળ લંબડી લોથ

ઊના વ્હાણ પર ધાણી કીડી કાર

કાળાનીલપીલ લબકતા કરવત સાપ કાપે ચાટે

રાખધૂમમાં જવાળાચામર ઊછળક પાછી આવે

વધે ઘટે અંધારું ઉપર

વણતાં કોઈ સાળકાંઠલો આઘો પાછો

ધૂણે વાયરો

લ્હાય ડુંગરે

કોતરમાં હોંકારા

વન ઊંડળમાં.

ટેકરીથી પેલી ટેકરી

હારાદોર તોરણ સળગે

ફૂલ ફગરિયા આગ ટોપલા ઊછળતા

વન આખામાં

સૂકા ભેગું લીલું

મુઆ ભેગું મારે

અક્કડને ઠૂંસાટે

નમતાનાં તોડે ત્રાજવાં

ઘડીમાં ડુંગર ટાલકાં બોડાં.

ઝાડવાં ભોંય ઢળીને ઢગલો

ભેગાં થઈને ઝાઝું બળતાં

હવે માંહ્યલાં મૂળ

ભોંય પણ ધખધખી

ઠેર ઠેર મૂળિયામાં ભઠ્ઠા.

સળગે ચોફેર નારિયેળ

અંદર પાણી ઊના

વચમાં થયરે થળાવડી.

ને તળિયે ફરકે ફણગો.

સ્રોત

  • પુસ્તક : પ્રતીપદા (પૃષ્ઠ ક્રમાંક 208)
  • સંપાદક : પ્રશાંત પટેલ, યોગેશ પટેલ
  • પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2015