chaal man! - Free-verse | RekhtaGujarati

ચાલ મન!

chaal man!

વિપિન પરીખ વિપિન પરીખ

વૃક્ષ કદાચ એમ પણ કહે–

‘મને પહેલાં ચા-પાણી પાઓ

પછી જે છાંયો આપું.’

કોયલ કદાચ આગ્રહ રાખે–

‘કોઈ સરસ જગ્યા જોઈ મને ફલૅટ બંધાવી આપો

પછી ટહુકો મૂકું.’

થોડાક પૈસા વધુ મળે તો

નદી પોતાનું પાણી

સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઈ નહીં.

ચાલ મન! એવા દેશમાં જઈએ

જ્યાં સૂરજને તડકા માટે લાંચ આપવી પડે!

સ્રોત

  • પુસ્તક : તલાશ (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સર્જક : વિપિન પરીખ
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રાઇવેટ લિમિટેડ
  • વર્ષ : 1980