પહેલી
Paheli
સુન્દરમ્
Sundaram
સુન્દરમ્
Sundaram
એ જ્યાં મળી, ત્યાં હું ફરી જઈશ,
અને વળી પ્રશ્ન ફરી કરીશ,
એ ડાળની હેઠળ જ્યાં મળેલ,
તે ડાળને –
એ ડાળનાં હા પ્રતિ પર્ણ પર્ણને :
કહો હવાં એ ક્યહીં ભૂતલે આ?
આવી અહીં ભૂતલ એ ભમંતી :
નિર્માયલી એ ક્ષણ પે મળી ગઈ :
ને સાર શું જીવનનો બની રહી.
એ આવી જેવી – ગઈ તેમ તેવી,
આવ્યા-ગયાનો અફસોસ ના કંઈ.
પરંતુ આ કેમ : સહુ હોશ લૈ ગઈ.
ને પૂછું – જે તે પળમાં કહી ગઈ.
ક્હેવા સમું આ જગમાં હતું જ જે.
જોવા સમું આ જગમાં હતું જ જે.
થૈ સાર તેનો, મુખ પે મઢી તે
ખડી રહી : 'આ હું રહી' વદંતી.
રાચે ભલે સૌ રચી કિંવદંતી :
'શો આદમી આ' – પણ આ કથા તો
જૂની, હવા — આદમના દિનોની :
મને મળ્યું જ્ઞાન તણું મહાફળ,
અને મળી દર્શનની મહા પળ.
હવે ભલે સ્વર્ગ ન સાથમાં રહ્યું :
રહી પરંતુ પણ સાથમાં એ :
જ્યાં જ્યાં રહીએ- ત્યહીં નિત્ય સ્વર્ગ.
સ્રોત
- પુસ્તક : સુન્દરમ્-સુધા (પૃષ્ઠ ક્રમાંક 82)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.- અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2004
