યોગેશ વૈદ્ય
Yogesh Vaidya
પહેલાંના માણસો
પહેલાંના માણસો જેવા હતા.
ચલ્લીનાં બાંડિયાં જેવા
ખરબચડા અને કરચલિયાળા.
મુછાળા,
શનિવારે દાઢી ન કરવાનું
અફર નીમ પાળનારા.
સારા લાગવાની કે સારું લગાડવાની
ખેવના વગરના.
પીળા પડી ગયેલા ફોટાઓમાં
બાઘા ચહેરે ઊભેલા
પહેલાંના માણસો.
માસ્તરનો માર ખાતા
દાક્તરને દેવ ગણતા
ધરતીને મા
અને બળદને સગો ભાઈ સમજતા.
એસ. ટી. બસની ટિકિટ
મહિનાઓ સાચવીને રાખતા.
રોજેરોજ પાઈ-પૈસાનો હિસાબ માંડતા.
માથે પોટલાં લઈ
દૂર દૂરનાં ગામતરાં કરતા.
જરૂર પડ્યે
વઢાણી પર મૂતરી આપતા
અને પહેરણનો લીરો કરીને
પાટો પણ બાંધી આપતા
પહેલાંના માણસો.
પહેલાંના માણસો
હાથ બાળતા.
સાથે સાથે હૈયાં પણ!
બાઈઓને ચહેરા નહોતા
ભરેલા નારિયેળ જેવાં લગન થતાં
અને
સપ્તપદીનાં સાતેય પદ નભાવતાં નભાવતાં
સવાસૂરિયા દીકરા જણતી રહેતી બાઈઓનો
એક પગ રહેતો હતો મસાણમાં.
પહેલાંના માણસો રાહ જોઈ શકતા
ખુશી-સમાચારની બે જ લીટી લખેલા પોસ્ટકાર્ડની.
વારેતહેવારે બોણી આપતા ટપાલીને
પણ તે જ ટપાલી જો કોઈ દી તાર લઈને આવે
તો છળી મરતા સાવ.
પહેલાંના માણસોની રાતો હતી
બિહામણી
માણસો સૂઈ જતા ત્યારે
ચુડેલો ફરવા નીકળતી ઝાંઝરાં પહેરીને.
ભૂલેચૂકેય કોઈ જણ બહાર નીકળે રાતે
તો
બીડી પેટાવવા બાકસ માંગતા
મામાઓ અને ખવીસો.
કિટ્સન લાઇટનાં અજવાળે
આંખ ઉલાળતા ભવાયાઓને જોઈ જોઈ
ભુરાયા થતા
પણ
સિનેમાની નટીઓનાં સપનાં જોતાંય
માબાપથી ફાટી પડતા
પહેલાંના માણસો.
દિવાળી પર
ફળિયામાં કંકુનાં પગલાં પાડવા અચૂક આવતાં
સાક્ષાત્ લક્ષ્મીજી.
ઘાંયજાથી લઈને ગરાસદાર સુધીનાને
હોંશે હોંશે રામરામ કરીને ન આવે
ત્યાં સુધી
દિવાળી પૂરી ન થતી
પહેલાંના માણસોની.
દુકાળ પડ્યે દાડિયે જતા.
મેલેરિયા થાય તો માદળિયું બાંધતા
ને મરકી આવ્યે મરી જતા.
છઠ્ઠીના દીવાની આમન્યા પાળતા
અને રાંદલની જ્યોતને જીવતી રાખવા
આખી રાત જાગતા રહેતા
પહેલાંના માણસો.
પહેલાંના માણસોને
પાપ લાગતું.
ગાય-કૂતરાંનો ભાગ કાઢ્યા પછી જ જમનારા.
ભાદરવે ત્રણ ત્રણ પેઢીને કાગવાશ નાંખનારા
વ્યાજના ઘોડાને આંબવા ખોરડાને,
અરે! જાતને વેચી નાખનારા
આ પહેલાંના માણસો
આજે
શીર્ણવિશીર્ણ પડ્યા છે ખૂણેખાંચરે-
જુનવાણી કથ્થાઈ ફ્રેમમાં
અવાવરું માળિયાંઓમાં
આલબમોમાં ફુગાઈ જઈને ચોંટી ગયેલા
મ્યૂઝિયમની ગમગીન ગૅલેરીઓમાં
સેલ્યુલૉઇડની પટ્ટીઓમાં
વાતોમાં, વારતાઓમાં.
કોઈએ તેમને પરાણે ચૂપ કરી દીધા છે
કે પછી કાળક્રમે
તેમનું બોલવું કે કશુંય કરવું અર્થ ખોઈ બેઠું છે!
ગમ્મે તેમ હોય પણ
વિગત વર્ષોમાં
તેઓ એક-એક બે-બે કરીને
અહીંથી નીકળી રહ્યા છે ચુપચાપ.
જાણે પોતે ક્યારેય હતા જ નહીં તેમ
પોતાનાં સ્થાનો છોડી રહ્યા છે
પહેલાંના માણસો.
આવનારાં વર્ષોમાં
આ ખાલી પડેલી જગ્યાઓમાં
ગોઠવાઈ જાશું આપણે સહુ : આજના માણસો.
અને ત્યારે
ફરી કોઈ કવિ
વાત માંડશે કવિતામાં આમ જ –
પહેલાંના માણસો
પહેલાંના માણસો જેવા હતા.
સ્રોત
- પુસ્તક : ભટ્ટખડકી (પૃષ્ઠ ક્રમાંક 23)
- સર્જક : યોગેશ વૈદ્ય
- પ્રકાશક : ઝેન ઓપસ, અમદાવાદ
- વર્ષ : 2023
