પહાડોમાં
pahadoman
ઉશનસ્
Ushnas
હું છેલ્લા કેટલાય દિવસોથી પહાડોની વચ્ચે છું,
પણ અપંગ છું એટલે અગતિક છું, કેદી;
પહાડોને કદાચ આ વાતની ખબર પડી ગઈ છે, મને વહેમ;
એટલે એ જ મારી નજીક – મારામાંય – ઢૂંકવા મથ્યા છે.
કાલની જ વાત કરું :
કાલે પહાડોના હેતનું આક્રમણ અનુભવ્યું; આંખ ઉઘાડી કે
આંખમાં પ્હાડો!
જ્યાં જોઉં ત્યાં પ્હાડો સામે ને સામે!
જાળી ઉઘાડી તો જોયું કે
જાળીના સળિયા પકડીને ઊભા છે રીંછ જેવા પ્હાડો જાળીને સૂંઘતા
બારી ઉઘાડી તો જોયું કે
ઊંટ જેવા બૂચા પ્હાડો બારીમાં અંદર ડોકિયું કરવા મથી રહ્યાં છે
લબડી પડેલા હોઠથી મને બૂચકારતા.
કેટલાક તો થોડુંક ખસ્યા ય છે મારા તરફ,
હું ફીલ કરું છું ગોટલા ઘાલ્યા જેવું કશુંક મારા હાડોમાં...
પુનમની તે રાત્રે
શ્વેત ભમરા જેવો ચંદ્ર શ્યામ પહાડી પાંખડીઓમાંથી છટકી ગયો’તો
ત્યારે પહાડોનું કમળ ટેરવા ઊંચા ઊંચા કરીને
એને પકડી–ઝીલી લેવા જે મથ્યું’તું, જે મથ્યું’તું!
કોઈ એમને ઘેર આવીને પછી ચાલ્યું જાય ત્યારે એમને આવું થતું હોય છે.
બીજું શું કરે બાપડા અબોલ મૂંગા પહાડો?
ઇન્દ્રે એમની પાંખ જ કાપી નાખી નથી
જીભ પણ ખેંચી લીધી છે તો.
હવે એક બે દિવસમાં મારેય જવાનું થશે અહીંથી.
ત્યારે પાછી આની જ વાત...
એમની પહાડી છાતીનો ડૂમો ચોમાસું ઝરણા ભેગો ભેગો મૂંગો મૂંગો
વહી જશે,
કોઈ જાણશે ય નહીં કે આ વખતનાં ઝરણોમાં તો
થોડીક આંસુની ઉષ્ણ ખારાશ પણ ભળી છે.
હુંય અહીં એક પહાડ જેવો મૂંગો ડૂમો મૂકતો જાઉં છું એ વાત પણ
એ કદી જાણશે નહિ; (એ કદાચ કાલે જતાં એક ટેકરીમાં પલટાઈ જાય)
કોઈ જાણશે નહીં કે એમની અવાક્ અવસ્થાનો
મને પણ છેલ્લે છેલ્લે ચેપ લાગ્યો હતો,
એ બોલું બોલું ને હું અબોલ થતો જાઉં છું,
હુંય વાણી ગુમાવી રહ્યો છું.
એમને કોણ કહેશે કે
હુંય છેવટે વટલાઈ ગયો છું
થોડોક તો તમારા જેવા જ મૂંગા અબોલ
હીજરાતા પહાડોમાં?

સ્રોત
- પુસ્તક : શેષવિશેષ ૮૪ (પૃષ્ઠ ક્રમાંક 39)
- સંપાદક : હરીશ મીનાશ્રુ, પ્રમોદકુમાર પટેલ
- પ્રકાશક : ચારુતર વિદ્યામંડળ
- વર્ષ : 1986