પગ : એક કાવ્યગુચ્છ
Pag : Ek Kavyaguchchh
યજ્ઞેશ દવે
Yagnesh Dave

દોડી રહ્યા છે જે સદીઓથી
ખૂંદી રહ્યા છે ખંડો
આકાશમાં જેણે મૂકી છે દોટ
તે પગ
જંપી જઈ સૂઈ જાય છે તારી સાથે.
*
કોઈનાય પાદપંકજ
કે ચરણકમળ
મેં જોયા નથી
મેં તો જોયા છે માત્ર પગ
માત્ર પગ.
*
પૂરપાટ દોડતાં દોડતાં
થૈ... થૈ ઊભું દેખાયું એક બાળક
થંભી ગયા પગ.
*
સાંજે
કહ્યામાં નથી હોતા મારા પગ.
એકને જવું હોય છે ઘર ભણી
બીજાને આકાશભણી.



સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2005 (પૃષ્ઠ ક્રમાંક 53)
- સંપાદક : મણિલાલ હ. પટેલ
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 2007