pachho wali ja - Free-verse | RekhtaGujarati

મારા પગ સુધી

આવેલા સમુદ્રને મેં કહી દીધું,

પાછો વળી જા !

ભલે તું કહેવાય

જલધિ, રત્નાકર, મહાસાગર

નથી ભીંજાવું મારે તારાં મોજાઓમાં.

નથી અનુભવવી તારી ખારાશને મારે!

ભૂંસાય જેમ અક્ષરો પાટીમાંથી

એમ

તું ભૂંસી નાંખે છે

ભીની રેતીમાં પાડેલાં મારાં પગલાંની છાપને!

હવે

મેં બનાવેલા રેતીના મહેલ સુધી

નહીં પહોંચવા દઉં

તારાં

સફેદ ફેનિલ મોજાંઓને.

રેતીમાં ચળકતાં છીપલાંઓની જેમ

નથી ફેંકાવું મારે પાછાં ધરતી પર.

જા, સમુદ્ર

પાછો વળી જા!

દૂરથી ભલે એવું લાગે

કે

જળ અને આકાશ

એકાકાર થઈ ગયા છે.

હું જાણું છું

માત્ર ભ્રમણા છે!

જહાજોના જહાજો ડૂબાડી દેવાની

તારી શક્તિથી અજાણ નથી.

પણ હું

ખડગ બની ચૂરેચૂરા કરીશ

તારા અસીમ-અપાર અહંકારના.

જા, સમુદ્ર

પાછો વળી જા!

ભૂમિ ઉબડખાબડ હોય ભલે,

રસ્તો હોય ઝાડીઝાંખરાંવાળો,

ભલે ને ઊભા હોય પહાડો અવરોધ બની,

હું તો વહેતી રહીશ મારી રીતે.

તારી ભરતી સાથે ભરતી

અને

ઓટ વેળા ઓટ...એમ નહીં.

ના, નહીં જ!

મારે તો માણવાં છે

મારાં ભરતી અને ઓટને પણ!

ના,

નહીં દોડી આવું ક્યારેય તારી પાસે,

અધીરી-ઉતાવળી નદીની જેમ!

મારે તો વહેવું છે, વિસ્તરવું છે કાંઠા તોડીને.

જા, સમુદ્ર, પાછો વળી જા!

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.