Ot - Free-verse | RekhtaGujarati

ઓટ શી આજે સુભગ સુંદર!

જે જલ અહીં જલધિતણાં,

જે એકદા અભરે ભર્યાં,

તે ઓટટાણે આછર્યાં

ને સ્વયમ્ જૈ દશ કદમ

થૈ દૂર ઠેરી રહ્યાં;

થંભી ઝમીઝમી જૈ જમીને સૌ ઠર્યાં.

સ્નિગ્ધ ને સ્થિર દ્રવસપાટી થૈ શમ્યાં;

તેજાળ તાજગી તલલગી તગતગ્યાં;

ચોપાસ સર્વ પદાર્થ કેરું ઝાંયઝીલણ,

પ્રતિબિમ્બ પ્રગટાવી રહ્યાં.

રે! સુરખુભરી અરુણાઈથી મલકાઈને

પ્હોર પ્રભાતને પ્હેરી રહ્યાં;

જે ગત બધો ગંદવાડ ભરતી સંગ,

તેહનું ધોવાણ ને ડહોળાણ વળી ખોદાણ

કે કચકાણનું કકળાણ ના.

સિન્ધુપૂર્ણથી, પૂર્ણરૂપ

જલ બાદ થાતાં,

તખું અભિનવ પૂર્ણરૂપ ધારી રહ્યાં

હે અખિલ આનંદમય! હે પૂર્ણમય!

ઓટ આણે તે ક્ષણેયે,

ઓટ આવી આણજ

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 165)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ