ઓટ
oat
અશ્વિની બાપટ
Ashwini Bapat
પગથિયે બેસીને
અમે વાતો કરતાં હતાં
અમારી વાતો ખૂટતી જ ન હતી
સમય પણ અખૂટ જ હતો
છેક પાતાળથી
સામેનો દરિયો
પગથિયાં સુધી આવી ગયો હતો
એણે કહ્યું, ભરતી છે
સ્વપ્ન-સત્ય ઉલેચાઈ રહ્યાં હતાં
એટલામાં
એ ઊભો થઈ ગયો.
ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો,
મોં લૂછ્યું, જતો રહ્યો.
સમુદ્રના પેટમાં
મોજાં ખેંચાઈ ગયાં
બેઠાં બેઠાં
હું જોતી રહી
દરિયો ઓસરતાં
ખુલ્લા પડી ગયેલા
ખડકોના ખાંચાઓમાં
ભરાઈ રહેલાં
નાનાં નાનાં સમુદ્રજીવો પર
કાગડા તૂટી પડ્યા.
મારી પાસે હજીય સમય છે
બેઠી છું
હજીય.
સ્રોત
- પુસ્તક : ચપટીક અંધકાર (પૃષ્ઠ ક્રમાંક 27)
- સર્જક : અશ્વિની બાપટ
- પ્રકાશક : સાયુજ્ય પ્રકાશન
- વર્ષ : 2020