nitivijay - Free-verse | RekhtaGujarati

બાળપણમાં મમ્મીના પાલવ તળે

બારણાની પછવાડે કે પરદાની આડશે મોં સંતાડીને

તું લહેકાભરી મીઠાશથી મને પૂછતો

'ખૂ...ખૂ! નીતિવિજય ખોવાઈ ગયો'

ઘરના કોઈ પણ ખૂણામાંથી હું તને જવાબ આપતી

'શોધો શોધો નીતિવિજય ખોવાઈ ગયો'

પરંતુ

એક જન્માષ્ટમીની સાંજે

ઘરમાં પથરાયેલી ઉદાસીન ક્ષણોને

વીંધીને મેં બધાને આશાન્વિત સ્વરે પૂછ્યું

નીતિવિજય ક્યાં ગયો?

અને

માથા ઉપર પાણીની ચાદર તાણી લઈને

તેં ઉત્તર વાળ્યો

'નીતિવિજય ખોવાઈ ગયો!'

સ્રોત

  • પુસ્તક : પ્રેમ અને પીડા (પૃષ્ઠ ક્રમાંક 134)
  • સર્જક : રેખાબા સરવૈયા
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્યભવન, અમદાવાદ
  • વર્ષ : 2023