kona bapno dikro - Free-verse | RekhtaGujarati

કોના બાપનો દીકરો

kona bapno dikro

દિલીપ ઝવેરી દિલીપ ઝવેરી
કોના બાપનો દીકરો
દિલીપ ઝવેરી

નિશાળના દોસ્તારો કરતાં મારા બાંડિયા પાઇપની મૂતરધાર લાંબે જાય

ઓઇલ મિલની પાળી પતાવી પાછો ફરતો

મારો બાપ ચોરસિયાની પાનની દુકાનેથી

પિચકારી મારે

તો પહોંચે સામે બદરુ કાચવાળાના ઓટલાથી એક તસુ છેટે

ચાલીમાં આવે ત્યારે દોરીએથી ઢગલોબંધ જાણતરનાં લૂગડાં ઝટકતી

પડોસની નરબદામાસી

‘ખૂસબૂલાલની સવારી આવી' કહેતી હસે

સાંભળીને

સેકાતી રોટલી ફેરવતાં લોઢીની કોરથી માની કોણી અચૂક દાઝે

સીટી બજાવતાં ખીંટીએ કફની લટકાવીને બાપ પૂછે

‘નિશાળનાં ઘેટાં-બકરાંએ ઈંડાં મૂક્યાં કે લીંડાં મૂક્યાં કે મીંડાં?’

પછી રેડિયો ચાલુ કરી પતરાની ખુરશી પર બેસી

પગ લંબાવી ગીતમાલાની સાથે ચપટી વગાડે

મારા બાપની ચપટીનો અવાજ તાળીથીયે મોટો

દાળમાં ચપટી મીઠું ખૂટતું હોય ને ગુવારમાં ચપટી મરચું ચડિયાતું

પણ મારો બાપ ટેસથી જમી લે

છેલ્લે ભાણે ખાતી મારી મા કડછી ખણકાવતી છણકે

‘વાંક મારો છતાં બાધવાની બાધા લીધી છે'

દોરા-ધાગા બંધાવી એકટાણાં ઉપવાસ રાખી માતાની જાતરા કરી

મા ક્યારેક મને ગળે વળગાડે ક્યારેક ચોંટિયા ભરે

ક્યારેક અબોલા લે ક્યારેક ગલગલિયાં કરે

પણ મને ભાઈબહેન નહીં

શંકરની આરતીમાં મારા બાપનો અવાજ સૌથી મોટો

પણ એની તેલધાણીની નોકરી ગઈ

ને ભણતર ભેળું કમાતાં કમાતાં

આમ તો મારું કંઈ કેટલું અધૂરું રહ્યું

છતાં મારા બાપનો વટ પૂરેપૂરો

ચાલીના મંડળનો મોવડી

મુનસિપાલટીના રોજ ધક્કા ખાય

ને પાનની દુકાને ચપટી વગાડતો

લાંબી પિચકારીથી કાચવાળાને કનડે

કોકે કાચની માથે પથરા ફેંકી જ્યારે આંગ ચાંપી

ત્યારે મારો બાપ બદરુને બહાર કાઢતાં બળ્યો

ને ચપટી વગાડતી એની આંગળીઓ

એના અડધોઅડધ બદનની ચામડી જોડે ચીમળાઈ ગઈ

પણ ચપટીવેંતમાં પતી જવાને બદલે

જાતને લાંબું આયખું ઢસડાવતો

મને તો દેવાળિયો કરીને મર્યો

ત્યારે મસાણથી પાછા ફરતાં

મોઢું ચડાવેલા ગોરમારાજે

ભેદ ખોલ્યો

કે

હું દત્તકનો લીધેલો હતો

*

(સદીઓની સદીઓથી નથી રોકાણાં તે રમખાણોની મોંકાણ)

સ્રોત

  • પુસ્તક : ખંડિત કાંડ અને પછી (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સર્જક : દિલીપ ઝવેરી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2014