smran - Free-verse | RekhtaGujarati

ધૂળથી છવાયેલા

ને

કાટથી વસાયેલા કાતરિંયામાં

અચાનક રણકી ઊઠ્યો

રત્નજડિત ને રત્નખચિત ચરુ!

દાદીમાની નેહભીની આંખ વિનાનાં

ઝાંખ વળેલાં ચશ્માં

તાકી રહ્યાં.

પિતાજીના ચન્દનવરણા ટીપણામાં સચવાયેલાં

ઘડી, પળ, પ્રહર, ચોઘડિયાં, નક્ષત્રો

ખરી પડ્યાં

ને ખર્યું

આશકાનું ભસ્માંકિત બીલીપત્ર.

માએ બનાવી આપેલો

ગાભાનો દડો

દડી પડ્યો હાથમાંથી.

પોથીનાં ફાટી ગયેલાં સોનેરી પૃષ્ઠ પરથી

મન્ત્રો આમ્રમંજરીની જેમ રણક્યા.

તૂટેલા અરીસામાં સચવાયેલો

બાળકનો અશ્રુભીનો ચહેરો

તારી રહ્યો અપલક.

તપખીરની ડબ્બીમાં દબાયેલી છીંકો

એકસામટી જાગી.

વાચનમાળામાં સાચવીને મૂકેલો

સોનામહોર જેવો તડકો

વળગી પડ્યો.

તાંબાનાં આચમની, પવાલું ને ત્રભાણમાં

રકણકતો ને રેલાતો

સન્ધ્યાવન્દનનો સંકલ્પ

હોઠ પર ફરફર્યો વર્ષો પછી.

સિગારેટનાં ખોખાંની ચાંદીના ચન્દ્રમાંથી

હરણ કૂદ્યું...

ફાળ ભરતું દોડ્યું...

ફાળ ભરતા હરણની ખરીમાંથી

રત્નો ખરતાં રહ્યાં...

બોદું બોદં હસતી કોડી

તાકી રહી નિઃસહાય...

સ્રોત

  • પુસ્તક : અક્ષરા (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : યોસેફ મૅકવાન
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા
  • વર્ષ : 2007