nawamun dilhi - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નવમું દિલ્હી

nawamun dilhi

બારિન મહેતા બારિન મહેતા
નવમું દિલ્હી
બારિન મહેતા

ક્યાં છે ભારત? છે ક્યાં ભારત?

પર્વતમાંથી, નદીઓમાંથી, દરિયામાંથી

ગામ-નગરથી, લોકોમાંથી એકસામટો નાદ ઊઠતો

ને

વ્હીસલ મારતી ગાડી

ભકછૂક ભકછૂક ચાલતી જાય

ચાલી જાય

ચાલી જાય

ભીતર ધરબાયેલા લોક

થર્ડક્લાસના ડબ્બાઓમાં મુંઝાતું રે થોક

બોલે ટીવી: સબ સલામત!

કહે રેડિયો: સબ સલામત!

અખબારોમાં, નેતાઓનાં ભાષણોમાં સબ સલામત!

વિકાસના સહુ નારા ગાજે

હટાવ ગરીબી સૂત્ર ચાલે

લઘુમતીની વાતો ચગતી

રાષ્ટ્રદ્રોહના ફતવા મ્હાલે

મહાયજ્ઞ બસ એક ચાલતો

એક વાત સહુ સાંભળે

વાત સહુ સાંભળે

વાત જોવાની સહુએ

ગામનગરમાં, ચોરે ચૌટે

ઊંચનીચના ચાક ચડાવી

ચતુર્વર્ણના ચાળા ચગવે

ફાટફૂટ લોકોમાં પાડે

જૂઠમૂઠને ગજવે ત્રાડે

મુંબઈ જેવું મુંબઈ સાલું

કામદારનો અઢળક ડહોળી દરિયો

વિધાનસભામાં હસતું ખીખી સબ સલામત!

કોલકત્તા કોલકત્તા

ભારતના નકશામાં તું એક ટપકું

આંખે તારી પાડા બકરી જેવા બલિ ચડે

ને માણસ જેવા માણસ

તારી અંધ ગલીમાં સબડે

સબડે ઈચ્છાઓનાં વન

કૂટે બંદૂક, છૂટે ગોળી

લાલ રંગનાં ધાબાં તારા ચહેરે પડતાં

તો કહે તું સબ સલામત

ઓય અરે દિલ્હી,

તું તો સલ્તનતોનું ડૂબ્યું નૂર

કેવો તારો ચહેરો, કેવા સૂર

તારી પીઠે કૈંક સવારી આવી ઊતરી

હાથી આવ્યા, ઘોડા આવ્યા

સરનાઈટના ખિતાબ આવ્યા

તારાં તે કૈંક રૂપો આવ્યાં, વિરમ્યા:

તું સ્વરાજી સ્વપ્ન થઈને મ્હાલ્યું

તું અરાજક ટમટમિયું થઈ સાલ્યું

તું સવા અબજનું ભાવિ ખરડે વીંટે

તું સવા અબજની આશા ક્યાં ક્યાં વેચે!

દેશને ખૂણે ખૂણેથી

તારે આંગણ

જાતજાતનાં ભાતભાતનાં

પ્રતિનિધિનાં ધાડાં આવ્યાં

પણ સાથે પરદેશીના દલાલ રાડાં લાવ્યાં

દિલ્હી, તું તો ઉજળિયાત કોમોનું મંદિર

હાયર સોસાયટીનો બીડિયો પડદો, તું!

અમેરિકા ને રશિયાના, ચાઈના અને બ્રિટનના

સંદેશા તારાં છોગાં

મલ્ટિનેશનલ ઉદ્યોગોના ભરે સદા તું ખોખાં

આજ અહીં જે રમતું તે તો તારું નવમું રૂપ

જાણે ના તું લોક મહીં જઈ છૂપ્યું જે સ્વરૂપ!

તું ત્રિરંગો લહેરાવે પણ પેટે એને ખાડો

તું સંસદને કાખે તેડે તો યે ઊભો થયો ગૂંચવાડો:

પાટનગર, તુ ચાટ પડે છે

ઘાટ વગરનો દેશ બન્યો ને કાટ ચડે છે!

જંતરમંતર જેવું ચાલે તારી અંદર શું?

તંતરબંતર જેવું સાલે તારી ભીતર શું?

માણસ સહુ અહીં છાયા જેવા

તંત્રમંત્રની માયા જેવા

સાંજ સવારે સૂરજ ભાગે

અહીં ડાકલું એક વાગે

અહીં મજાની આંગળીઓ કંઈ

આમ હલે ત્યાં: સબ સલામત!

સહી કરે ત્યાં સબ સલામત!

સહી કરે ત્યાં સબ સલામત

કદી ટ્રિગર પર

કદી જિગર પર

કદી નમે મતપેટી પર

કદી ભમે શબપેટી પર

છતાં મળે જ્યાં સંસદ બેઠક

અરસપરસને ચીંધે ચીખે

અસરપસરને છેદે કાપે

પછી હળુક લઈ ટેભા લેતી

અખબારોના ટોપ ન્યૂઝમાં જઈને ઠરતી

પ્રજાતંત્રના વડવાગળની જેમ ઊડતી

અરસપરસની રક્ષા કરતી!?

દિલ્હી, આવા કંઈ ખેલ તમાશા

તારે આંગણ રોજ રમાતા

તું ધૂળઢેફાના માણસની સમજે ક્યારે ભાષા?

પેટ-હાથના ચકરાવાની સરજે ક્યારે આશા?

દૂરદૂરનો અહીં અઢેલી ઈતિહાસ બોલતો

સૂરસૂરમાં અરમાનોની લાશ ઢોળતો

ચાલ, કહી દે તું યે દિલ્હી સબ સલામત!

સબ સલામત!?

હા, સબ સલામત!

ઊંચે જો આકાશ સલામત

સૂરજ સળગે રોજ સલામત

ઊગે ચાંદો એય સલામત

તારલિયા ટમકે કેવા, સબ સલામત

પવન કદી ના બનતો કેદી: સબ સલામત!

ફરફર ફરકે પાન અને ખીલે કૂલો સબ સલામત!

વહેતાં જળમાં તરે માછલી, સબ સલામત!

નામ ગરીબી લેવાનું ના

કામ લોકનું કરવાનું ના

લઘુમતી કે વર્ણભેદની વરવી વાતો કરવાની ના

એમ કર્યું તો મળવાનો બસ કોઈ જાસો

ના થયું કશું યે ખોટું, ન્યાય માગવા શાને આવો?

કોઈ બાળકી કોઈ કિશોરી

ભેદાઈ ગઈ,

છેદાઈ ગઈ

અને પછી તો ચગદાઈ ગઈ

તો ભૂલી જવાનું વિકાસના વાવેતરમાં!

ધામ રામનું રહે સલામત

નેતા માટે સંસદ આખી રહે અનામત!

ચાલો ત્યારે કોમવાદનું તૂત ચલાવો

લઘુમતીનું ઝેર વલોવો

ચતુર્વર્ણને ઊલટીપલટી સૌથી પહેલો પરધાન બનાવો

આપણું કર્યું કારવ્યું પાર પાડવા ફોજ બઢાવો

શેઠિયાઓની લાંચ લગાવો

મજદૂરોનાં પેટ જલાવો

એમ કરીને નવા વર્ગના શંખ ફુંકાવો

અને પછી શા મંચ સજાવી

સંસદ જોરે લહેરાવી તિરંગો ઠોકો ભાષણ

કચડો રોકો આંદોલન

દેશના સાચા દાઝણહારા જે કંઈ બોલે

સુણી સમજી લોકો ડોલે

ગણો એમને રાષ્ટ્રદ્રોહી

તમે ભલે હો લાલચમોહી...

ખળું ખાણ ને ખેતરમાંથી સાદ ઊઠતો

ભૂગર્ભે જઈ ધરબાયેલો અગ્નિગર્ભી નાદ ઊઠતો

ફરીફરીને દિલ્હીની આંગળીઓ રે બનતી ટ્રિગર

ફરીફરીને કાપે છેદે પાડે કાણાં લોકોને જિગર!

ફરી મારતી વ્હીસલ ગાડી ભકછૂક ભકછૂક ચાલી જાય

ચાલી જાય

ફરીફરીને થર્ડક્લાસના ડબ્બાઓમાં રુંધાતું લોક

ભીતર ઘરબાયેલો શોક

કહે રેડિયો સબ સલામત!

બોલે ટીવી સબ સલામત!

અખબારો પણ છાપે સબ સલામત!

ઊંઘે સંસદ સબ સલામત!

વાગે સાયરન સબ સલામત!

બાકી ભારતના સહુ રસ્તા કહેતા

‘વાડ ઊઠીને ગળે ચીભડાં’

ત્યાં

સબ સલામત રસ્તા ક્યાંથી રહેતા?

છે ભારત સબ સલામત!?

છે ભારત સબ સલામત!?

સ્રોત

  • પુસ્તક : યાદવાસ્થળી (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સર્જક : બારીન મહેતા