Nari Ane Shilp - Free-verse | RekhtaGujarati

નારી અને શિલ્પ

Nari Ane Shilp

સુનીલ ગંગોપાધ્યાય સુનીલ ગંગોપાધ્યાય
નારી અને શિલ્પ
સુનીલ ગંગોપાધ્યાય

સૂતેલી નારીને જગાડતાં પહેલાં હું એને નિહાળું છું.

ઉદાસીન ગ્રીવાભંગિ, શ્લોક જેવી ભમ્મર

હોઠ પર સ્વપ્ન કે અધૂરી વાત

જાણે એક નારીમાં રહેલી અનેક નારી,

અથવા અરીસા-ઘરમાં વસવાટ

હડપચી ૫ર આવી પડી છે વાળની કાળી રિબન

ખસેડવાની ઇચ્છા થતી નથી, કારણ કે પ્રાચીન

સમયથી વેણીબંધનની અનેક ઉપમાો અપાઈ છે.

છાતી પરથી જરાક પાલવ સરી ગયો છે

આનું નામ અસ્તવ્યસ્તતા

આમ થાય છે.

બ્લુ બ્લાઉઝ, સફેદ બ્રા, સ્તનનો ગુલાબી આભાસ,

એક બિંદુ પ્રસ્વેદ

પેટની મુલાયમ ત્વચા, ક્ષીણ ચંદ્ર–નાભિ,

ચણિયાની નાડીની ગાંઠ.

સાથળ પર સાડીની પાટલી, રેખાઓનો વિવિધ કોલાહલ.

પગનાં તળિયાં–અલ્પનાની લક્ષ્મીની છા૫ જેવાં

નારી.

નારી અને સૂતેલી નારી એક નથી.

મૂંગું ચિત્ર શિલ્પ બની શકે છે, જો હું

બરોબર ધ્યાન રાખી દૃષ્ટિને સંન્યાસી બનાવું.

હાથ ઊંચો કરી શોધી લાવું મંત્રના અક્ષર

ત્યારે નારીને જોવાને બદલે પોતાને જોવાનું

મુખ્ય બનતું હોવાથી

પૂર્ણ સૌજન્યવશ બત્તી બુઝાવી દઉં છું

પછી શરૂ થાય છે શિલ્પને ભાંગવાનો

એક વિપુલ ઉત્સવ.

હું એના હોઠ, સાથળમાં મોં છુપાવી

જણાવું છું ખબર.

જે કાળના પ્રવાહને તરીને પણ ક્યાંય જતી નથી.

(અનુ. નલિની માડગાંવકર)

સ્રોત

  • પુસ્તક : કવિતા : એપ્રિલ 1985 (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ