namashesh - Free-verse | RekhtaGujarati

નામશેષ

namashesh

નીરવ પટેલ નીરવ પટેલ
નામશેષ
નીરવ પટેલ

કયા શેતાન શિલ્પીએ જન્મતાં વેંત

ત્રોફી દીધું છે મારું નામ મારા કપાળે?

મારી રક્તવાહિનીઓમાં ચાકુ ઝબોળી ઝબોળી

ઝાડના થડની છાલમાં કોતરતા હો એમ

તમે શીદ મારી સંજ્ઞાને કોર્યા કરો છો?

મારે તો ભૂલી જવું'તું મારું નામ

એટલે તો મધરાત માથે લઈ એક વાર

ઘરગામ છોડી ભાગી નીકળ્યો'તો શહેર ભણી.

અહીં આવીને મેં

મારા નામની છડી પોકારતા સાવરણાના વાંસડે તો

ફરકાવ્યો’તો ઇન્કિલાબનો ધ્વજ!

મારા નામના બંધારણના અણુએ અણુને

મેં ઓગાળી દીધા છે

કૉસ્મોપૉલિટન કલ્ચરના દ્રાવણમાં.

મારા નામની કાંચળી ઉતારી

હું નિર્મળ ને નવીન બની ગયો છું

નહિ શોધાયેલા કોઈ તત્ત્વ જેવો.

માઇક્રોસ્કોપની આંખને પણ મારી ઓળખ રહી નથી.

પણ ગીધ જેવી તમારી આંખની ચાંચ

શીદ હરહંમેશ મારા નામના મડદાને ટોચ્યા કરે છે?

અરે, મને તો દહેશત છે

મારી ચિતા સાથે પણ નહિ મરે મારું નામ?

સ્રોત

  • પુસ્તક : બહિષ્કૃત ફૂલો (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : નીરવ પટેલ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2006
  • આવૃત્તિ : 2