પીટર પોર્ટર
Peter Porter
હવે વધારે બિલાડીઓ ના જોઈએ.
બિલાડીઓ ચેપ લગાડે છે,
બિલાડીઓ હવાને પ્રદૂષિત કરે છે,
બિલાડીઓ પોતાના વજનથી સાત ગણો ખોરાક
ઓહિયાં કરી જાય છે એક અઠવાડિયામાં,
બિલાડીઓની પૂજા થતી હતી.
પડતી પામતા સમાજોમાં (ઇજિપ્ત
અને પ્રાચીન રોમ), ગ્રીકોને
બિલાડીઓનો કશો ખપ નથી. બિલાડીઓ
મૂતરવા માટે નીચે બેસે છે (આપણા વૈજ્ઞાનિકોએ
એ પુરવાર કર્યું છે). બિલાડીઓનું મૈથુન
અતિ કષ્ટદાયક છે; એઓ અસહ્ય રીતે
શોખીન હોય છે ચન્દ્રની.
એમના પોતાના દેશમાં એ કદાચ બરાબર હશે
પણ એમની પરંપરાઓ
આપણને તો પરગ્રહવાસીઓ જેવી લાગે.
બિલાડીઓ ગંધાય છે, એના વિના છૂટકોય નથી,
એ દાદર ચડે ને તમને ખબર પડી જાય.
વધારે પડતું ટેલિવિઝન જુએ છે બિલાડીઓ,
ઝંઝાવાતમાં પણ એઓ ઊંઘી શકે છે,
છેલ્લી વાર એમણે ખંજર ભોંકેલું
આપણી પીઠમાં. એવા કોઈ મહાન કલાકારો
પાક્યા નથી કે જે બિલાડી હોય.
કેપિટલ 'સી' એમને છાજતો નથી,
સિવાય કે વાક્યના આરંભે
મારા માથાના દુઃખાવા
ને મારા મરવા પડેલા છોડવાઓ માટે
હું બિલાડીઓનો વાંક જોઉં છું
અમારો ઈલાકો એમનાથી ઊભરાય છે,
મિલકતોની કિંમતો ઘટતી જાય છે.
હું જ્યારે ઈશ્વરનું સ્વપ્ન સેવું છું, મને દેખાય છે
બિલાડીઓનું મહાનિકંદન. પોતાનો મુદ્દો રજૂ કરવા
જેમને આનંદથી મિંયાઉં કરવું પડે છે
એમણે શા માટે આગ્રહ રાખવો જોઈએ
પોતાની ભાષાનો અને ધર્મનો?
બધી જ બિલાડીઓનું નખ્ખોદ જજો!
હજારો વરસ તપજો
શાસન ડાઘિયાઓનું!
(અનુ. હરીશ મીનાશ્રુ)
સ્રોત
- પુસ્તક : તથાપિ : સપ્ટેમ્બર-નવેમ્બર, ૨૦૦૫ (પૃષ્ઠ ક્રમાંક 17)
- સંપાદક : જયેશ ભોગાયતા
- પ્રકાશક : દક્ષા ભોગાયતા
