Nakh - Free-verse | RekhtaGujarati

એને મળ્યો છે

લાંબા તીણા નખનો વૈભવ

એને મળે છે દિવસો, વર્ષો

અક્ષત વિજયના.

એના નખ

પહેલાં તો હતા માણસના સામાન્ય નખ

પછી ધીમે-ધીમે

સુંવાળું ટેરવું દબાતું ગયું

ઊંડું ઊતરતું ગયું

વધતા જતા ધારદાર નખનો મહિમા

એને સમજાતો ગયો.

જીતમાં હોય છે જબરો નશો

સમજણનો પથ તો લાંબો

ને વળી દુર્ગમ પણ ખરો

જ્યારે તો હાથવગો ઉપાય.

નખ રાજાના કુંવર જેવા

દિવસે વધે એટલા રાત્રે વધે

રાત્રે વધે એટલા દિવસે વધે.

એને ખબર નથી

હવે નહોર બની ચૂક્યા છે

વધતા જાય છે ને વળતા જાય છે,

વળતા જાય છે ને વધતા જાય છે

એની પોતાની તરફ...

સ્રોત

  • પુસ્તક : સાવ કોરો કાગળ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : લતા હિરાણી
  • પ્રકાશક : ગૂર્જર પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2024