maro bheanyabadalo - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારો ભોંયબદલો

maro bheanyabadalo

દલપત પઢિયાર દલપત પઢિયાર
મારો ભોંયબદલો
દલપત પઢિયાર

હું

નગરમાં ભૂલો પડેલો જણ છું.

કાચની બારીમાંથી

રોજ સાંજે વીખરાઈ પડતું ધણ છું.

અગાસીઓને દસ દસ વર્ષથી

ધોતો આવ્યો છું.

વેલકૂંડાં ગોઠવી ગોઠવીને મેં

આંખો લીલી રાખી છે.

મને શું ખબર કે

હું અહીં સુગરીના માળામાં

સાઈઠ વૉલ્ટનો બલ્બ મૂકીશ ને ત્યાં

બધાં જનાવરોની પાંખો ફાટી જશે?

સડકો અહીં આખી રાત જાગે છે.

અમારે નાવું નગરમાં

ને નાચવું નવેરામાં

તે તો કેમ બનવાનું છે?

મહી નદી!

મારા સામુ જોઈશ નહીં

હું હવે અનાવૃત્ત થઈ શકું તેમ નથી.

ઈન્જેક્શન લઈ લઈને

મેં તારું પાણી બદલી નાખ્યું છે.

વગડાનાં વૃક્ષો!

ખાતરી થતી હોય તો

કાંડું હાથમાં ઝાલી તપાસી લો

મારી નાડીઓમાં ટેબલનો ઉછેર

હવે તળિયું બાંધી રહ્યો છે.

હું કાલે ઊઠીને

ટાઈલ્સ જેવું ઓળખાવા લાગું તો

તમે જોજો આધાંપાછાં થઈ જતાં!

તમારી પરકમ્મા કરતાં કેટલાંક પગલાં

હું ત્યાં ભૂલી આવ્યો છું.

મારો ભોંયબદલો

નહીં સાંખી લે એ!

આણ મૂકીને આંતરી લેજો બધું.

અહીં મારા પગ ધૂળ વિનાના,

ચોખ્ખા રહે છે.

એને સ્વચ્છ, સુધડ એવાં વિશેષણ આપું

તોપણ ચાલે!

અંગૂઠે આંખ માંડું

ને આખું ભાઠું પી શકું

એવું એકે અનુસંધાન મળતું નથી મને.

મારી આંખમાં ઊડાઊંડ કરતા,

થોરિયાનાં પાનમાં તરતા,

દૂધે ધોયેલા માર

ક્યાં ગયા, હેં?

- ક્યાં ગયા?

સ્રોત

  • પુસ્તક : ભોંયબદલો (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સર્જક : દલપત પઢિયાર
  • પ્રકાશક : નક્ષત્ર ટ્રસ્ટ
  • વર્ષ : 1982