રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપૃથ્વી
જવાન આફ્રિકન ભેંશનું રૂપ ધરીને
પોતાનું ટીપેલા તાંબાનું બનેલું શીંગડું, સહેજે ડર્યા વિના, રમતિયાળ પણે,
હજી તો જેની પીઠ પરથી યમરાજા પૂરા ઊતર્યા એ નથી એવા માતેલા પાડાના પડખામાં અથડાવે છે.
‘નચિકેતા આવી ગયો હશે’ એવું ઝડપથી બોલતા ધર્મદેવ
પોતાના પાશને જનોઈ જેમ ખભે નાખી
મહેલનાં પગથિયાં સડસડાટ ચઢી જાય છે.
ઉપર
અંધારાના ભરપૂર શરીરની વિશ્વાસ જગાડતી ભીંસમાં
અમાસની રાત ઉત્તેજિત થઈ જાય છે ને પોતાની ફળદ્રુપ કંદરામાં
વીર્ય જેવા સફેદ ચંદ્રરસને આવકારે છે.
એનાં ભર્યાંભર્યાં સ્તનોના ગોળાવ પર પરસેવે ઊપસી આવેલા
ઝગમગતા તારાઓનાં ખારાં ખારાં ટીપાંથી
અંધકારપુરુષ પોતાના હોઠ, મૂછ અને દાઢી ભીનાં ભીનાં કરી લે છે.
પિંગળી સિંહણો, રાતી વીંછણો
અને માટીની કરાડો જેવી કાળી હાથણોનાં શરીરોની દુનિયામાં
આત્માને દુર્લભ આકારો મળે છે.
તપોભ્રષ્ટ ઋષિનું કોપેલું વીર્ય, પડિયો ભરીને પી જાય છે કલબલતી નિર્ભય પંખિણીઓ.
ભોંઠપ અનુભવતા યમરાજની ઝંખવાયેલી નજર જેના પર પડી નહિ એવો નચિકેતા
યમસદનના પહોળા પગથિયા પર બેઠો બેઠો.
માંદલી ગાયો વિશેના વિચારો છોડી દે છે
ને પોતાના મૂળ પ્રશ્નો જવાબ પામી જાય છે.
બીજું કોઈ વરદાન માગ્યા વિના
લાંબી મુસાફરીથી તરસ્યો ને રજોટાયેલો
એ રાતોરાત પોતાના ગામના કૂવાકાંઠે પાછો આવે છે
ને માટીનો નવો ઘડો લઈ ત્યાં આવનારીની
વાટ જુએ છે.
(૨૦-૩-૧૯૯૫)
સ્રોત
- પુસ્તક : વખાર (પૃષ્ઠ ક્રમાંક 57)
- સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2009