મૂળિયાં
muuliyaan
ઉમાશંકર જોશી
Umashankar Joshi
ઉમાશંકર જોશી
Umashankar Joshi
લોકો કહેતાં : ઝાડ છે.
એમને મન અમે ન હતાં.
લોકો કહે છે : ઝાડ નથી.
એમને મન અમેય નથી.
અમે હતાં, અમે છીએ.
અમે તો આ રહ્યાં.
રસ કો ધસી અમોમાં
ઊડ્યો આકાશે.
ધબકતો સ્થિરવત્ ફુવારો.
કિરણોનો કસ અમે ચૂસ્યો અંધકારમાં,
નસનસમાં ઘૂમી વળ્યો હવાનો મહાસમુદ્ર,
પાંદડાંનાં પોપચાં મિચકાવતાં હસી રહ્યાં
અમે, ક્યારેક આભ આગળ કૈં બબડી રહ્યાં
એકમેકનેય અહીં ખબરે ના પડે તેમ.
હવે આ ગાઢ ભીંસ સહી જશે કેમેય ના.
આધાર આપવાનું જતાં અમે નર્યાં નિરાધાર.
તેજોયાત્રા પૂર્ણ થઈ અમારી.
હવે ધૂળિયાં,
અમે મૂળિયાં.
સ્રોત
- પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 732)
- સર્જક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
- વર્ષ : 1981
- આવૃત્તિ : બીજી આવૃત્તિ
