રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
મૂંઝારો
munjharo
અશ્વિની બાપટ
Ashwini Bapat
એક શબ્દ
માત્ર એક શબ્દ પણ
જો યાદ આવી જાય
તો એ આખું ગીત
મળી જાય પાછું મને
આમ
એનું ખોવાઈ જવું
ને આમ
એનું સતત હોવું
સંકેતોના ઢગલા વચ્ચે
પજવી રહ્યું છે ક્યારનું
સ્રવી રહ્યું છે
અદૃશ્ય સ્રોતથી ક્યારનું
ફંફોસતી હું
ફરી રહી છું બેબાકળી
હું સાંભળતી, ગાતી
ગાયિકાની જોડે
રેડિયો મોટો કરીને
કોણ એ લતા આશા કે ગીતા
બસ એટલુંય યાદ આવી જાય
તો મળી જાય ગૂગલથીય
એ ગીતમાં હું મહાલતી
હિરોઇનની જેમ
એ હિરોઇન પણ યાદ આવી જાય તો...
બસ, એક ચાવી જોઈએ
એક સંકેત જોઈએ
અર્થનો વિસ્તાર તો છવાયેલો છે
આ ક્ષણે એ ગીતનો
પણ ગૂગલમાં રિવર્સ શક્ય નથી
આમ એનું ખોવાઈ જવું
ને તોય વાગ્યા કરવું
સ્વર, શબ્દ કે સંગીત વિના
કોઈ મસમોટા દુઃખની પાછળથી
ને એ દુઃખ પણ
હાથમાં નથી આવતું
સ્રોત
- પુસ્તક : ચપટીક અંધકાર (પૃષ્ઠ ક્રમાંક 54)
- સર્જક : અશ્વિની બાપટ
- પ્રકાશક : સાયુજ્ય પ્રકાશન
- વર્ષ : 2020