મુલાકાત
Mulakat
રેખાબા સરવૈયા
Rekhaba Sarvaiya
રેખાબા સરવૈયા
Rekhaba Sarvaiya
મારા જમણા હાથની તર્જનીને
ડાબા હાથની મુઠ્ઠીમાં પકડીને
બેસવાની મારી આદતને નોંધીને
તેં પહેલી વાર મને
તારી પડખે લીધી ત્યારે
મને સમજાયો હતો
સુરક્ષાનો અર્થ
અને પછી તો
એ ખભો
એ છાતી જ જાણે મારો જીવનભરનો વિસામો
પણ મને અહેસાસ થયો
ભરચક્ક ભીડમાં કચકચાવીને પકડેલી
આંગળી છૂટી જાય તો?
ભવ આખાનો મૂકેલો ભરોસો તૂટી જાય તો?
આંખો સામે અંધારાં
મગજમાં બોલે નર્યાં તમરાં
પગ હેઠેથી ખસી જતા રસ્તા
ભીંતમાં માથાં પછાડીને મારગ કરવાનો હતો
ભાન ગુમાવ્યા વગર ભવ તરવાનો હતો
અફસોસને ફોતરાંની જેમ ઉડાડવાનો હતો
સપનાંને રોયા વગર સળગાવીને ચાલવાનું હતું
કર્યું સઘળું
હવે તો પગ પાસેથી પસાર થાય છે રસ્તાઓ
જાત સાથે તેં તરછોડી દીધેલી આંગળી
હું એમ જ પકડી રાખું છું,
આજેય મજબૂતીથી
આભાર તારો
તેં જ કરાવી મને
મારી મક્કમતા સાથે મુલાકાત
સ્રોત
- પુસ્તક : પ્રેમ અને પીડા (પૃષ્ઠ ક્રમાંક 6)
- સર્જક : રેખાબા સરવૈયા
- પ્રકાશક : ગૂર્જર સાહિત્યભવન, અમદાવાદ
- વર્ષ : 2023
