mulaakaat - Free-verse | RekhtaGujarati

મારી દીકરી, ખૂબ હળવેથી દાખલ થઈ.

જાણે કે પ્રવેશ્યું સૂર્યનું પ્રથમ કિરણ,

પણ એટલી હળવાશથી નહીં.

તેના ઉઘાડા પગનો પગરવ મારી પેન્સિલના

લખાણ કરતા વધારે મૃદુ હતો.

પણ તેનું હાસ્ય મારી કવિતા કરતાં વધુ મુખર હતું.

ધીરેથી મારા ખોળામાં ચડી ગઈ

કવિતા પણ એમ ભાંખોડિયા ભરતી આવી

પણ એટલી હળવાશથી નહીં

અને એટલી ઉતાવળે પણ નહીં.

કોઈ રીઢા ચોર માફક

મારી દીકરીએ મારી પ્રેરણા ચોરી લીધી

મારી લગભગ પૂરી થઈ ગયેલી કાવ્યપંક્તિઓ પણ,

અને પછી આરામથી સુઈ ગઈ

પોતાના અપરાધના પૂર્ણ સંતોષ સાથે.

(અનુ. ઉર્વીશ વસાવડા)

સ્રોત

  • પુસ્તક : અનુવાદક તરફથી મળેલી કૃતિ