mukti - Free-verse | RekhtaGujarati

દવાઓની શીશીઓનો આધાર લઈ ટકી રહેતી જિંદગી નથી ગમતી.

મારાં જ સ્વપ્નાં બિહામણાં કૂતરાંની જેમ મને કરડે નહિ તેથી

ઘેનમાં પડી રહેવું મને ગમતું નથી.

આ પગનાં તળિયાંને લીલા ઘાસની સ્મૃતિ સતાવે છે.

મારી આંખો બેચેન છે–ચોરસ આકાશના બટકાથી એને સંતોષ નથી થતો.

‘આ 10 નંબરનો ગયો–13 નંબર Serious છે,’

મને નથી ગમતી આ ઉદાસ વાતોની અવરજવર.

મને નથી ગમતી ડૉક્ટરોની ઠંડી ઉતાવળ,

સમયની ભૂતાવળ–સફેદ વસ્ત્રોની દોડાદોડી–

આ ક્લૉરોફોર્મની ગંધ–આ ઈથરની વાસ

મને બેહોશ કરે છે આ બિછાનાનો સફેદ કારાવાસ!

મને છૂટો કરો આ હૉસ્પિટલની પીળી ભીંતોથી.

મારે શ્વાસ લેવો છે.

સ્રોત

  • પુસ્તક : આશંકા (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સર્જક : વિપિન પરીખ
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1975