Mukam Karoti... - Free-verse | RekhtaGujarati

मूकं करोति...

Mukam Karoti...

બકુલેશ દેસાઈ બકુલેશ દેસાઈ
मूकं करोति...
બકુલેશ દેસાઈ

ધાબું છે.

મકાનનું ધાબું છે.

ચણ છે.

હાથમાં કબૂતરો માટે ચણ છે.

કબૂતરો છે.

ચણ માટે ઊડાઊડ કરતાં કબૂતરો છે.

સીડી છે?

ધાબા પર જવા માટે સીડી છે?

ભેંસ છે.

મરવા વાંકે જીવતી ભેંસ છે.

ડોળા છે.

લોહીલુહાણ ડોળા છે.

ચાંચ છે.

તીણીતીણી ચાંચ છે.

પથ્થર છે?

કાગડો ઊડાડવા માટે પથ્થર છે?

બપોર છે.

ધોમધખતો બપોર છે.

તરસ છે.

બળબળતી તરસ છે.

પરબ છે.

પાણીની પરબ છે.

ચરણ છે?

પરબ સુધી જવા માટે ચરણ છે?

સીડી છે-

ધાબા પર જવા માટે?

પથ્થર છે-

કાગડો ઊડાડવા માટે?

ચરણ છે-

પરબ સુધી જવા માટે?

વાચા છે-

'સીડી', 'પથ્થર', 'ચરણ',

ઉચ્ચારવા માટે-

વાચા છે???

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑગસ્ટ, ૧૯૭૮ (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ